Loading Please Wait !!!
ટ્રિબ્યુનલ પાસે વહીવટી સત્તાઓનો અધિકાર નથી: હાઈકોર્ટ. પોરબંદર વક્ફ વિવાદ મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો.

  • વક્ફ બોર્ડને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવા નિર્દેશ.

  • માત્ર સારા આશયથી સત્તાનો દુરુપયોગ ન થઈ શકે.

  • ચૂંટણી અધિકારીના આદેશને હાઈકોર્ટે રદ કર્યો છે.

   સિટી ન્યુઝ @ અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટે વક્ફ મિલકતો અને તેના વહીવટ સંબંધિત એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે વક્ફ ટ્રિબ્યુનલનું કાર્ય માત્ર ન્યાયિક વિવાદોનો નિર્ણય કરવા પૂરતું મર્યાદિત છે. ટ્રિબ્યુનલ પાસે વક્ફ બોર્ડની વહીવટી કે નિરીક્ષણાત્મક સત્તાઓનો ઉપયોગ કરવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. સુપ્રીમ કોર્ટના આદેશોનો આધાર આપતાં હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે, જો કોઈ વૈધાનિક બોર્ડ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય, તો પણ ટ્રિબ્યુનલ તેની વહીવટી સત્તાઓ પોતાના હાથમાં લઈ શકે નહીં.

પોરબંદરની સૂર્યવાડ મેમણ જમાત વક્ફમાં વર્ષ ૧૯૯૬થી ટ્રસ્ટીઓની ચૂંટણી યોજાઈ ન હતી. આ વિવાદમાં જસ્ટિસ મૂલચંદ ત્યાગીએ ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્રની મર્યાદા સ્પષ્ટ કરવા સાથે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની લાંબા સમયની નિષ્ક્રિયતા સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રિબ્યુનલ દ્વારા ચૂંટણી અધિકારી અંગેના હુકમને રદબાતલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને હાઈકોર્ટે તેની સત્તા બહારનો ગણાવી રદ ઠરાવ્યો છે.

હાઈકોર્ટે આ સમગ્ર મામલો ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને પરત સોંપ્યો છે અને વક્ફ અધિનિયમ, ૧૯૯૫ હેઠળ તમામ ફરિયાદોની કાયદેસર તપાસ કરીને અસરગ્રસ્ત પક્ષકારોને સાંભળ્યા બાદ ૩ મહિનામાં કામગીરી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. અગાઉ ટ્રિબ્યુનલે મિલકતોનો કબ્જો લેવા અને ફોજદારી કાર્યવાહી જેવા વહીવટી નિર્દેશો આપ્યા હતા, જે સંદર્ભે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર 'સારા આશય'ના આધારે કાયદા દ્વારા ન અપાયેલી સત્તાનો દુરુપયોગ થઈ શકે નહીં.

 

વક્ફ ટ્રિબ્યુનલની સત્તાઓ મર્યાદિત છે

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વક્ફ ટ્રિબ્યુનલનું કાર્ય માત્ર ન્યાયિક વિવાદોનો નિર્ણય કરવાનું છે અને તેને વહીવટી સત્તાઓ વાપરવાનો અધિકાર નથી. પોરબંદરના વક્ફ વિવાદ મામલે ટ્રિબ્યુનલના આદેશને રદ કરતાં હાઈકોર્ટે આ કેસ વક્ફ બોર્ડને પરત સોંપીને ત્રણ મહિનામાં કાયદેસર તપાસ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.