ગાંધીનગરના રૂપાલમાં આસો નવરાત્રિની ઐતિહાસિક પલ્લી સંપન્ન!
-
10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીને અર્પણ કર્યું ઘી!
-
20 કરોડથી વધુના ઘીના અભિષેકથી વહી ઘીની નદીઓ!
-
5000 વર્ષ જૂની પરંપરા મુજબ નીકળી 5 જ્યોતવાળી પલ્લી!
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગાંધીનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આસો નવરાત્રિની નોમની રાત્રે જગતજનની મા વરદાયિનીની વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક પલ્લી ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ ગઈ છે. મધ્યરાત્રિએ 12 વાગ્યા પછી માતાજીના નિજ મંદિર પરિસરમાંથી વિધિવત્ પૂજા-અર્ચના બાદ પાંચ જ્યોતવાળી દિવ્ય પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
માતાજીની આ પલ્લી ગામના નિર્ધારિત 27 ચકલાઓમાં ફરી હતી, જ્યાં દેશ-વિદેશમાંથી આશરે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ મનોકામના પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે શુદ્ધ દેશી ઘીનો અવિરત અભિષેક કર્યો હતો. અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતના લાખો લિટર ઘીના અભિષેકથી રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા અલૌકિક દૃશ્યો સર્જાયા હતા.
આ પલ્લી સાથે આશરે 5000 વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ વણાયેલો છે. માન્યતા અનુસાર પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન દિવ્ય શસ્ત્રો અહીં છુપાવ્યા હતા અને વિજય બાદ સોનાની પલ્લી બનાવીને ઘીનો અભિષેક કર્યો હતો, ત્યારથી આ પરંપરા અવિરત ચાલી આવે છે. પલ્લી નીકળતા પહેલાં ભવ્ય ગુલાલ ઉત્સવ અને ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 500 પોલીસ જવાનો, 300 હોમગાર્ડ તેમજ 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તહેનાત રહ્યા હતા. આ ઉપરાંત 24 કલાક આરોગ્ય સેવાઓ, એસ.ટી. નિગમ દ્વારા વધારાની બસો અને ફાયર સેફ્ટી સહિતની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.
જે શ્રદ્ધાળુઓ નોમની રાત્રે પલ્લીના પ્રત્યક્ષ દર્શન નહોતા કરી શક્યા, તેમના માટે દશેરાથી લઈને શરદપૂર્ણિમા સુધી પલ્લીના દર્શન અને ઘી અર્પણ કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તમામ ભક્તો માતાજીના આશીર્વાદ મેળવી શકે.
અનન્ય આસ્થાનું પ્રતિક: રૂપાલની પલ્લીમાં વહે છે ભક્તિની સરવાણી
ગુજરાતની સંસ્કૃતિ અને આસ્થામાં રૂપાલની પલ્લીનું સ્થાન સર્વોપરી છે. કરોડો રૂપિયાના શુદ્ધ ઘીનો અભિષેક કરવા માટે દૂર-દૂરથી આવતા લાખો ભક્તોની ભીડ આ ધાર્મિક પરંપરા પ્રત્યેનો અખૂટ પ્રેમ દર્શાવે છે. મહાભારત કાળથી ચાલી આવતી આ ઐતિહાસિક પરંપરા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સામાજિક સમરસતા અને સમર્પણનું એક જીવંત ઉદાહરણ છે, જે દર વર્ષે લાખો લોકોને એક તાંતણે બાંધે છે.