Loading Please Wait !!!
વડોદરા NH-48 પર હિટ એન્ડ રન: ધનિયાવી પાસે રસ્તો ક્રોસ કરતા યુવકને અડફેટે લઈ વાહનચાલક ફરાર

 

  • જાંબુવા બ્રિજથી તરસાલી જતા હાઈવે પર મહાસાગર હોટેલ સામે મોડી રાત્રે સર્જાયો અકસ્માત

  • મૂળ યુપીના અને વડોદરા રહેતા પ્રવેંદ્રસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોત

  • વરસાડા, ધનિયાવી અને દશરથ નજીક અલગ-અલગ અકસ્માતોમાં 3 દિવસમાં કુલ 4 જિંદગી હોમાઈ

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે-48 પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ જતા હાઇવે પર ગોકુલ કટ નજીક મોડી રાત્રે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. જેમાં રસ્તો ક્રોસ કરી રહેલા 31 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસમાં વરસાડા, ધનિયાવી અને દશરથ નજીક થયેલા અલગ-અલગ અકસ્માતોમાં કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના વતની અને છેલ્લા 10 વર્ષથી વડોદરામાં સ્થાયી થયેલા પ્રવેંદ્રસિંહ દેવપાલસિંહ 28 ઓગસ્ટની રાત્રે આશરે 11:45 વાગ્યે નેશનલ હાઈવે પર મહાસાગર હોટેલ સામેથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન જાંબુવા તરફથી આવતા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ દમ તૂટી ગયો હતો.

બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની સયાજી (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં માંજલપુર રહેતા મૃતકના સગા-સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચકાસી ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

NH-48 પર હિટ એન્ડ રનમાં યુવકનું મોત

વડોદરામાં NH-48 પર ગોકુલ કટ પાસે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે રોડ ક્રોસ કરતા 31 વર્ષીય પ્રવેંદ્રસિંહનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. વડોદરા હાઈવે પર 3 દિવસમાં 4 લોકોના અકસ્માતમાં મોત થયા છે. કપુરાઈ પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.