Loading Please Wait !!!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આઈટી ક્ષેત્રે ગંભીર અસરો

 

  • ડિજિટલ પ્રોપર્ટી અને વેબસાઈટ બનાવવાનો યુગ

  • સામાન્ય પ્રોમ્પ્ટથી ગણતરીની મિનિટોમાં વેબસાઈટ બને

  • અમદાવાદમાં આઈટી પ્રોફેશનલ્સ નોકરી ગુમાવી રહ્યા

સિટી ન્યુઝ @ અમદાવાદ

દાયકાઓ પહેલાં લોકો જમીન, મકાન અને દુકાનો જેવી ભૌતિક મિલકતોમાં રોકાણ કરતા હતા અને સમય જતાં શેરબજાર તથા મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા હતા. વર્ષ 2000 થી ઈન્ટરનેટનો ક્રેઝ વધતાં વેબસાઈટ અને એપ્લિકેશન જેવી ડિજિટલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાની એક નવી બજાર ઊભી થઈ હતી, જેને ડિજિટલ રિઅલ એસ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ચ્યુઅલ પ્રોપર્ટી તૈયાર કરતા આઈટી પ્રોફેશનલ્સની માંગ પણ આસમાને પહોંચી ગઈ હતી, પરંતુ આ ડિજિટલ પ્રોપર્ટીના વેપારનો સુવર્ણ યુગ હવે માત્ર 25 વર્ષમાં જ આથમી રહ્યો છે.

મહિનાઓની લાંબી મહેનત અને માથાફોડી બાદ તૈયાર થતી વેબસાઈટ કે એપ્લિકેશન હવે સામાન્ય પ્રોમ્પ્ટથી એઆઈ (AI) દ્વારા ગણતરીની મિનિટોમાં અને નજીવા ખર્ચે બની જાય છે, જેના કારણે આઈટી પ્રોફેશનલ્સ પોતાની નોકરી ગુમાવી રહ્યા છે. એક અંદાજ મુજબ અમદાવાદમાં આગામી સમયમાં 30 ટકાથી વધારે આઈટી પ્રોફેશનલ્સ નોકરી ગુમાવશે. એઆઈ ઓટોમેશનને લીધે ઓરેકલ, એમેઝોન, ડેલ, માઈક્રોસોફ્ટ જેવી વૈશ્વિક કંપનીઓ તેમજ વિપરો અને ટીસીએસ જેવી ભારતીય કંપનીઓમાં અત્યાર સુધી હજારો કર્મચારીઓની છટણી થઈ ચૂકી છે અને આ લેઓફની લહેર હવે અમદાવાદ સુધી પહોંચી ગઈ છે.

જ્યાં અગાઉ 10 કોડર્સની ટીમ કામ કરતી હતી ત્યાં હવે 5 થી 6 કોડર્સ એઆઈની મદદથી કામ પૂરું કરી લે છે અને 300 લોકોની ટીમની જગ્યાએ માંડ 200 લોકોની જરૂર પડે છે. કંપનીઓ હવે ડેવલપર, કોડર અને એન્જિનિયર જેવા એઆઈ બોટ બનાવીને તેમને કર્મચારીઓની જેમ જ રોજિંદી કામગીરી સોંપી રહી છે. અહેવાલો મુજબ અમદાવાદમાં 3,700 આઈટી ફર્મ અને 1.25 થી 1.50 લાખ આઈટી પ્રોફેશનલ્સ છે, ત્યારે એઆઈ આવ્યા બાદ આગામી દિવસોમાં આશરે 30 ટકા એટલે કે 45,000 કર્મચારીઓને છૂટા કરી દેવાય તેવી સંભાવના છે, તેમજ જુનિયર લેવલ પર નવી ભરતીઓ લગભગ બંધ છે.

વિદેશ કરતાં ભારતમાં વેબસાઈટ અને એપ્લિકેશન બનાવવાનો ખર્ચ ઓછો હોવાથી અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશો ભારતની આઈટી ફર્મ્સ પાસે કામ કરાવતા હતા, પરંતુ એઆઈ આવ્યા બાદ ફોરેન ક્લાઈન્ટ્સ પણ ઘટી ગયા છે. અગાઉ વેબ ડેવલપર્સ કલાકો સુધી કોડિંગ કરીને ગેમિંગ, સોસાયટી, આરોગ્ય અને શિક્ષણ વગેરેને લગતી વેબસાઈટો 25,000 થી એક લાખ રૂપિયામાં અને ડેટા એનાલિટિક્સ ફીચરવાળી વેબસાઈટો 7 થી 10 લાખ રૂપિયામાં વેચતા હતા. આ ઉપરાંત ડોમેઈન ઈન્વેસ્ટર્સ અમુક કીવર્ડ સાથેના ડોમેઈન ખરીદીને રાખતા અને લોકપ્રિય થયા બાદ હરાજીમાં ઊંચા ભાવે વેચતા હતા, જેનો ક્રેઝ હવે ઓસરી રહ્યો છે.

આ બદલાતા સમયમાં જુનિયર કોડર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ફીચર ફેક્ટરી ડેવલપર, વેબ ડેવલપર, બેઝિક ટેસ્ટ એન્જિનિયર અને વેબ ડિઝાઈનરની નોકરીઓ પર સૌથી મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આઈટી પ્રોફેશનલ્સ હવે ખાણી-પીણીના સ્ટોલ કે કેફે, અન્ય ક્ષેત્રની ખાનગી કંપનીઓમાં નોકરી, કોસ્મેટિક્સનું માર્કેટિંગ, કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, ઓનલાઈન રિસેલિંગ, પરંપરાગત વ્યવસાય, સરકારી નોકરીની તૈયારી અને સ્ટાર્ટઅપ જેવા વૈકલ્પિક વ્યવસાયો તરફ વળી રહ્યા છે.

આઈટી ક્ષેત્ર અને રોજગારી

ટેકનોલોજીના યુગમાં ઝડપથી બદલાતા પ્રવાહો સાથે અનુકૂલન સાધીને નવી કુશળતા પ્રાપ્ત કરવી એ આજના યુવાનો માટે અનિવાર્ય છે.