Loading Please Wait !!!
અયોધ્યા રામમંદિરમાં 10 કરોડની સુરક્ષા વચ્ચે દાનની ચોરીનો મામલો ગરમાયો

  • SITની તપાસ તેજ, 17 વર્ષથી તહેનાત RMO પર શંકાની સોય
  • SITની રડાર પર 200 લોકો, સીસીટીવી અને ટેકનિકલ અધિકારીઓ તપાસના ઘેરામાં
  • કરોડોના ખર્ચ છતાં કેવી રીતે થઈ ચૂક? SIT દ્વારા 125થી વધુ નિવેદનો નોંધાયા

સિટી ન્યુઝ @ અયોધ્યા

અયોધ્યાની પવિત્ર રામનગરીમાં આ દિવસોમાં ભગવાન રામલલાના ભવ્ય મંદિર પરિસરમાં કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાનો મામલો ભારે ચર્ચામાં છે. આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસનો દાયરો ઝડપથી વધી રહ્યો છે. તાજેતરમાં સીસીટીવી અને ટેકનિકલ દેખરેખ સંભાળતા રેડિયો મેન્ટેનન્સ ઓફિસર (RMO) SITની રડાર પર આવ્યા છે, જે છેલ્લા 17 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. SIT હવે સીસીટીવી બેકઅપ અને અન્ય ડિજિટલ રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો સવાલ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા પર ઊભો થયો છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા 11 મહિનામાં મંદિરની સુરક્ષા પાછળ 10 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આટલી કડક દેખરેખ છતાં દાનપેટી કે ચઢાવામાં ગેરરીતિ કેવી રીતે શક્ય બની? આ સવાલે સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે. વધુમાં, મંદિરમાં પ્રવેશ માટે અપાતા 'સ્પેશિયલ પાસ'નો કોઈ દુરુપયોગ થયો છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. દાન ગણતરીનો એક વીડિયો વાઇરલ થતાં તપાસ વધુ તેજ બની છે અને SIT 200 લોકોની પૂછપરછ કરવાની તૈયારીમાં છે, જેમાંથી 125ના નિવેદનો નોંધાઈ ચૂક્યા છે.

આ સાથે જ SIT મંદિર ટ્રસ્ટના વહીવટી માળખા અને પ્રમુખ સભ્યોના કાર્યોની પણ સમીક્ષા કરી રહી છે. જેમાં મહંત નૃત્યગોપાલ દાસ, ચંપતરાય અને સ્વામી ગોવિંદદેવ ગિરી જેવા હોદ્દેદારોના કાર્યોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી ટ્રસ્ટના કોઈ વરિષ્ઠ પદાધિકારીની સીધી સંડોવણી અંગે સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષા સિસ્ટમની નિષ્ફળતા અને વહીવટી પ્રક્રિયાઓની ખામીઓ પર SIT ગંભીરતાથી કામ કરી રહી છે.

દાન ચોરી મામલે ઉઠતા ગંભીર સવાલો

10 કરોડ રૂપિયાના તોતિંગ સુરક્ષા ખર્ચ છતાં રામમંદિર જેવા અતિ સુરક્ષિત સ્થળે નાણાકીય ગેરરીતિ થવી એ સિસ્ટમની મોટી ખામી દર્શાવે છે. 17 વર્ષથી એક જ જગ્યાએ તહેનાત RMO અને વાઇરલ વીડિયોએ લોકોના મનમાં શંકાઓ જન્માવી છે. SIT હવે માત્ર સામાન્ય ચોરી નહીં, પરંતુ વહીવટી ઢીલાશ અને સિસ્ટમની નિષ્ફળતાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.