હોર્મુઝની ખાડીમાં 3 મહિના ફસાયેલું LNG જહાજ દહેજ પહોંચ્યું
- પશ્ચિમ એશિયાના યુદ્ધના તણાવ વચ્ચે દેશની ઊર્જા સુરક્ષા માટે મોટી રાહત
- 62,370 મેટ્રિક ટન LNG લઈને 'દિશા' જહાજ દહેજ પોર્ટ પર સુરક્ષિત પહોંચ્યું
- 3 મહિનાથી દરિયામાં અટવાયેલા જહાજના આગમનથી દેશના ઊર્જા ક્ષેત્રને ફાયદો
સિટી ન્યુઝ @ ભરૂચ
પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ભારત માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. લિક્વિફાઇડ નેચરલ ગેસ લઈને આવી રહેલું વિશાળ દરિયાઈ જહાજ 'દિશા' 3 મહિનાની લાંબી પ્રતીક્ષા બાદ શુક્રવારે સવારે 7:32 વાગ્યે ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ પોર્ટ પર સફળતાપૂર્વક લાંગર્યું છે. આ જહાજે વ્યૂહાત્મક રીતે વિશ્વના સૌથી સંવેદનશીલ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દરિયાઈ માર્ગને સુરક્ષિત રીતે પાર કર્યો છે.
આ એલએનજી કાર્ગો કતારના પ્રખ્યાત 'રાસ લફાન એલએનજી ટર્મિનલ' પરથી લોડ કરવામાં આવ્યો હતો. આ વિશાળ જહાજમાં 62,370 મેટ્રિક ટન જેટલો એલએનજીનો જંગી જથ્થો રહેલો છે. ખાડી વિસ્તારમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે આ ટેન્કર લાંબા સમયથી દરિયામાં જ અટવાયેલું હતું. તમામ સુરક્ષા પાસાંઓની સઘન ચકાસણી અને પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જોયા બાદ આખરે આ સફર હેમખેમ પૂર્ણ કરવામાં આવી છે.
આ દરિયાઈ જહાજ 'દિશા'નું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ દ્વારા 'પેટ્રોનેટ એલએનજી લિમિટેડ' માટે કરવામાં આવી રહ્યું છે. ભરૂચનું દહેજ ટર્મિનલ ભારતનું સૌથી મોટું એલએનજી આયાત કેન્દ્ર છે. વૈશ્વિક ઊર્જા બજારના નાજુક સમયમાં આ જહાજના આગમનથી દેશના નેચરલ ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને મોટો ફાયદો થશે, જેનાથી મોટા ઉદ્યોગો અને ઘરગથ્થુ વપરાશ માટેનો ગેસ પુરવઠો વધુ મજબૂત અને સ્થિર બનશે.
વૈશ્વિક વેપાર માટે અત્યંત સંવેદનશીલ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વમાં ઓઇલ અને ગેસના પરિવહન માટેનો સૌથી મહત્ત્વનો અને સંવેદનશીલ દરિયાઈ માર્ગ ગણાય છે. આ વ્યૂહાત્મક વિસ્તારમાં સહેજ પણ અવરોધ ઊભો થાય તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ રહે છે. સુરક્ષિત દરિયાઈ માર્ગો ભારત સહિત તમામ દેશોના વૈશ્વિક અર્થતંત્ર અને અવિરત ઊર્જા પુરવઠાને સ્થિર રાખવા માટે ખૂબ જ જરૂરી છે.