દિલ્હી હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: RE-NEET પેપર લીક મુદ્દે ટેલિગ્રામ પર પ્રતિબંધ યથાવત
- સરકારના પગલાને કોર્ટની મંજૂરી, 22 જૂન સુધી એપ રહેશે અસ્થાયી રૂપે બંધ
- પેપર લીક અને સાયબર ફ્રોડ રોકવા માટે કેન્દ્ર સરકારનો સખત અભિગમ
- 5 દિવસના પ્રતિબંધને ગણાવ્યો કાનૂની, ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરી સરકારે લીધો નિર્ણય
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દિલ્હી હાઇકોર્ટે દેશના ચર્ચિત મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને કાયદેસર અને યોગ્ય ઠેરવ્યો છે. આગામી ૨૧ જૂને યોજાનારી RE-NEET પરીક્ષામાં પેપર લીક થવાની આશંકાઓને પગલે કેન્દ્ર સરકાર દ્વારા આ સખત નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આઈટી એક્ટ (IT Act) હેઠળ દેશહિત અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર પાસે એપ કે પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો સંપૂર્ણ અધિકાર છે.
કોર્ટે સરકારની પ્રક્રિયાને કાયદાકીય રીતે યોગ્ય ગણાવતા કહ્યું કે, કેન્દ્ર સરકારે આ નિર્ણય લેતા પહેલા ટેલિગ્રામના વહીવટી તંત્રને સાંભળ્યું હતું અને કેબિનેટ સચિવના નેતૃત્વમાં બનેલી વિશેષ સમિતિ દ્વારા પુરાવાઓ પર વિચાર-વિમર્શ કર્યા પછી જ આ આદેશ જાહેર કર્યો છે. ટેલિગ્રામ પર અગાઉ પણ પેપર લીક અને સાયબર ઠગાઈના ગંભીર આરોપો લાગતા રહ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતત ચિંતા વ્યક્ત કરતી હતી.
ટેલિગ્રામની અત્યંત ગુપ્ત પ્રાઇવસી અને એક સાથે લાખો સભ્યોને જોડવાની ક્ષમતા તથા હેવી ફાઇલ્સ શેર કરવાની સુવિધાનો ગેરકાયદે ઉપયોગ થતો હોવાની દલીલો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સરકારનો આ ૨૨ જૂન સુધીનો અસ્થાયી પ્રતિબંધ હવે કાનૂની માન્યતા સાથે અમલમાં છે. પરીક્ષાની ગોપનીયતા અને સુરક્ષા જાળવવા માટે લેવાયેલું આ પગલું કાયદાકીય અને વહીવટી વર્તુળોમાં મોટી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ટેલિગ્રામની સુરક્ષા સામે સવાલો
ટેલિગ્રામના યુઝરનેમ આધારિત ફીચર્સ અને મોબાઈલ નંબર વગર એકાઉન્ટ ઓપરેટ કરવાની સ્વતંત્રતા ગુનેગારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. વોટ્સએપની તુલનામાં ટેલિગ્રામનું માળખું જે રીતે મોટા ગ્રુપ્સ અને મોટી ફાઇલ્સ શેર કરવાની સુવિધા આપે છે, તેનો દુરુપયોગ પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં થતો આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટના આ ચુકાદાએ સાબિત કરી દીધું છે કે કોઈપણ ટેકનોલોજી દેશની સુરક્ષા અને પરીક્ષાઓની પવિત્રતા કરતા મોટી નથી.