જસદણ લીલાખા પંથકમાંથી બેલા ચોરીનું કૌભાંડ ઝડપી લેતી રેંજ સ્ક્વોડ
સિટી ન્યૂઝ@રાજકોટ
જસદણના દેવપરા અને લીલાપર ગામની સીમમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ પથ્થર (બેલા)ની ચોરી કરવાના કૌભાંડોને રાજકોટ રેંજ સ્ક્વોડે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી ૪ ટ્રેક્ટર અને ૭ ચરખી સહિત કુલ રૂ. ૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ટ્રેક્ટરના ડ્રાઈવરોને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.
રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાયે રેંજ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના આધારે રાજકોટ રેંજ ટીમના પીએઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા અને સી.એમ. કોટિલિયાની ટીમો કામગીરીની હતી.
દરમિયાન પીએસઆઈ બી.સી. મિયાત્રા તથા તેમની
ટીમના કુલદીપસિંહ ચુડાસમા, વકાર અસબ, દિવેશ સુવા, અનિરુદ્ધસિંહ જાડેજા અને નિફુલ પંપાણિયાએ બાતમી મળી હતી કે જસદણ પોલીસ મથક વિસ્તારના દેવપરા અને લીલાપર ગામની સીમમાં સરકારી જમીન પર ગેરકાયદેસર ખોદકામ કરીને બેલાની ખાણ ચલાવવામાં આવી રહી છે.
બાતમીના આધારે રેંજ સ્ક્વોડે સ્થળ પર દરોડો પાડતાં ગેરકાયદેસર બેલા ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આ પ્રવૃત્તિમાં પૂનમ વાઘાણી, ગગન વાઘાણી અને અંકિત વાઘાણીના નામ સામે આવ્યા છે.
દરોડા દરમિયાન અલગ-અલગ ૪ ટ્રેક્ટર અને બેલા કાઢવા માટે ઉપયોગમાં લેવાતી ૭ ચરખી સહિત કુલ રૂ. ૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ટ્રેક્ટરના ડ્રાઈવરોને હસ્તગત કર્યા બાદ સ્થાનિક પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી. સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.