જામનગરમાં ફૂડ શાખાનો સપાટો: 152 પેઢીઓમાં તપાસ, 353 કિલો વાસી ખોરાકનો નાશ
-
હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનો સહિત કુલ 152 સ્થળોએ સઘન ચકાસણી હાથ ધરાઈ
-
ઢીંચડા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં 139 અને વધુ પૃથ્થકરણ માટે 7 સેમ્પલ વડોદરા મોકલાયા
-
અખાદ્ય સામગ્રી અને એક્સપાયરી ડેટવાળા પેકેટ્સનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો
સિટી ન્યુઝ @ જામનગર
જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જાહેર આરોગ્યની સુખાકારી માટે શહેરમાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત શહેરની હોટેલ, રેસ્ટોરન્ટ, ફરસાણના વેપારીઓ તેમજ લારી-ગલ્લા સહિત કુલ 152 જેટલા ખાદ્ય એકમોનું સ્થળ તપાસ કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન અત્યંત બિનઆરોગ્યપ્રદ હાલતમાં મળી આવેલી 353 કિલો વાસી ખાદ્યસામગ્રી તેમજ 5 એક્સપાયરી ડેટવાળા પેકેટ્સનો ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાદ્ય પદાર્થો પીરસવા તેમજ પાર્સલ પેક કરવા માટે જોખમી એવી 147 કિલો છાપેલી પસ્તી જપ્ત કરીને તેનો પણ સુરક્ષિત નિકાલ કરાયો હતો. ગંદકી અને નિયમોના ભંગ બદલ 14 પેઢીઓ પાસેથી રૂ. 22,500 નો દંડ વસૂલાયો હતો.
ખાદ્ય ચીજોની ગુણવત્તા અને શુદ્ધતા ચકાસવા માટે વિવિધ એકમોમાંથી કુલ 146 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. જે પૈકી 139 સેમ્પલ ઢીંચડા સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે અને 7 મહત્વના સેમ્પલ વધુ સઘન પૃથ્થકરણ માટે વડોદરા સ્થિત લેબમાં મોકલવામાં આવ્યા છે.
કાર્યવાહી દરમિયાન એક ડેરીમાંથી લેવાયેલા દહીંનો નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં તેમજ અન્ય એક એકમ માન્ય લાયસન્સ વિના ચાલતું હોવાનું જણાતાં બંને સામે એજ્યુડિકેટિંગ કોર્ટમાં કાનૂની કેસ દાખલ કરવામાં આવ્યા છે. શહેરની શાળાઓ અને તેની આસપાસની ખાણીપીણીની દુકાનોમાંથી પણ પીવાના પાણી અને નાસ્તાના નમૂના લેવાયા છે.
તંત્ર દ્વારા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને વપરાયેલા ખાદ્ય તેલનો 30 દિવસમાં વૈજ્ઞાનિક નિકાલ કરવા, દૂધની બનાવટોના અધિકૃત બિલ રાખવા, FSSAI ના 12 નિયમો દર્શાવતું બોર્ડ પ્રદર્શિત કરવા અને કિચનમાં સંપૂર્ણ હાઇજીન જાળવવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
જામનગરમાં 353 કિલો વાસી ખોરાક નષ્ટ
જામનગર મનપાની ફૂડ શાખાએ 152 એકમોમાં તપાસ કરી 353 કિલો વાસી ખોરાક અને 147 કિલો પસ્તીનો નાશ કર્યો છે. ગંદકી બદલ 14 પેઢીઓ પાસેથી રૂ. 22,500 નો દંડ વસૂલાયો હતો. ગુણવત્તા ચકાસણી અર્થે 146 સેમ્પલ લેબમાં મોકલાયા છે, જ્યારે એક ડેરી અને ગેરકાયદે એકમ સામે કોર્ટ કેસ દાખલ કરાયા છે.