પાણી અને ઘાસચારા માટે સંગ્રામ: લાલપુરમાં જનઆક્રોશ રેલી
- MLA હેમંત ખવાની આગેવાનીમાં ખેડૂતો અને માલધારીઓનો પ્રાંત કચેરી બહાર 1 દિવસનો પ્રતીક ઉપવાસ.
- જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આરપારની લડાઈ, લાલપુરમાં વિશાળ રેલી બાદ ઉપવાસ શરૂ.
- 3 દિવસની અલ્ટીમેટમ પૂરી થતા ધારાસભ્ય હેમંત ખવાએ આપ્યું આંદોલનનું રણશિંગુ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
સિટી ન્યુઝ @ જામનગર
જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકાના ખેડૂતો તથા પશુપાલકો સામે ઊભા થયેલા સિંચાઈના પાણી અને ઘાસચારાના ગંભીર પ્રશ્ને આજે લાલપુરમાં ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. પાક અને પશુધન બચાવવાની માંગ સાથે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ખેડૂત હિત રક્ષક સમિતિની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને માલધારીઓએ લાલપુર તાલુકા પંચાયતથી પ્રાંત કચેરી સુધી જનઆક્રોશ રેલી યોજી હતી. આવેદનપત્ર આપ્યા બાદ ધારાસભ્ય સહિતના આગેવાનો પ્રાંત કચેરી બહાર 1 દિવસના પ્રતીક ઉપવાસ પર બેસી જતાં સમગ્ર વિસ્તારમાં ગરમાવો વ્યાપી ગયો હતો.
આ આંદોલનની શરૂઆત લાલપુર તાલુકા પંચાયત કચેરી ખાતેથી થઈ હતી. લાલપુર અને જામજોધપુર તાલુકાના મોટી સંખ્યામાં જોડાયેલા ખેડૂતો અને પશુપાલકોએ સૌની યોજનાનું પાણી તાત્કાલિક છોડો ના સૂત્રોચ્ચાર સાથે માર્ગો પર રેલી કાઢીને પોતાના હક માટે બુલંદ અવાજ ઉઠાવ્યો હતો. ખેડૂતોના આ આક્રમક વલણને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રાંત કચેરી સંકુલમાં સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.
આંદોલનકારીઓએ ખેતી અને પશુપાલન બચાવવા માટે તંત્ર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ મૂકી છે. સૌપ્રથમ, સૌની યોજનાની લિંક-1 અને લિંક-3 માંથી લાલપુર અને જામજોધપુરના ગામડાઓ માટે તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે જેથી સુકાઈ રહેલો પાક બચાવી શકાય. બીજું, માલધારીઓ અને પશુપાલકોના પશુધનને બચાવવા માટે તાત્કાલિક ધોરણે રાહતદરે અથવા મફત ઘાસચારાનું વિતરણ શરૂ કરવામાં આવે.
આ ઉપરાંત, આંદોલનકારીઓએ એવી પણ માંગ કરી છે કે સૌની યોજનાથી વંચિત રહી ગયેલા અંતરિયાળ ગામોને પાણી પૂરું પાડવા માટે નવા વાલ્વ મૂકવા અંગે તાત્કાલિક ટેકનિકલ સર્વે હાથ ધરવામાં આવે. જનઆક્રોશ રેલી પ્રાંત કચેરીએ પહોંચ્યા બાદ ધારાસભ્ય હેમંત ખવા અને કિસાન નેતાઓએ સત્તાવાળાઓને આ તમામ મુદ્દાઓને આવરી લેતું એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઉપવાસ આંદોલન દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય હેમંત ખવા અને કિસાન નેતાઓએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. નોંધનીય છે કે 3 દિવસ પહેલા જ ધારાસભ્ય હેમંત ખવાએ સરકાર અને વહીવટી તંત્રને ચીમકી આપી હતી કે જો આગામી દિવસોમાં પૂરતું પાણી નહીં છોડાય તો ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો હજુ પણ યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો આગામી દિવસોમાં આ લડતને વધુ વ્યાપક બનાવવામાં આવશે.
પાક અને પશુધન બચાવવા તંત્ર સમક્ષ માંગ
વરસાદ ખેંચાતા લાલપુર અને જામજોધપુર પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉભા પાક સુકાઈ રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારો ખૂટી રહ્યો છે. આ વિકટ પરિસ્થિતિમાં ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં શરૂ થયેલું આ આંદોલન તંત્રની આંખ ઉઘાડવા માટે મહત્ત્વપૂર્ણ છે. સરકાર સત્વરે પાણી અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ બુલંદ બની છે.