જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં દીપડો ઘૂસતાં ફફડાટ: પ્રવાસીઓની સુરક્ષા માટે કિલ્લો સંપૂર્ણ બંધ કરાયો
-
રવિવારની રજામાં પ્રવાસીઓથી ધમધમતા ઉપરકોટના ધારાગઢ દરવાજા પાસે દીપડો દેખાતાં નાસભાગ
-
પ્રવાસીઓએ મોબાઈલ કેમેરામાં દીપડાના દ્રશ્યો કેદ કર્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ચિંતા
-
મોડી રાત્રે પણ કિલ્લા પરિસરમાં બે વાર દીપડાની લટાર જોવા મળતાં તંત્ર દ્વારા કડક સુરક્ષા પગલાં
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં ગઈકાલે અચાનક દીપડો આવી ચડતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. રવિવારની રજા હોવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઉપરકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન કિલ્લાના ધારાગઢ દરવાજા નજીક ઊંચી દીવાલ પર દીપડો લટાર મારતો નજરે પડતાં પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા સલામત સ્થળે દોડી ગયા હતા. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને આજે ઉપરકોટ કિલ્લો મુલાકાતીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કિલ્લાની દીવાલ પર દીપડો દેખાતાં જ હાજર લોકોએ તેના વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. લોકોના ઘોંઘાટ અને ચહલપહલના કારણે દીપડો નજીકના ઝાડી-ઝાંખરામાં ગાયબ થઈ ગયો હતો, જેથી વનવિભાગે આસપાસના જંગલ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
દરમિયાન ગઈકાલે મોડી રાત્રે પણ કિલ્લાના પરિસરમાં દીપડો ફરી બે વાર દેખાયો હોવાનું સામે આવતાં સ્થાનિકો અને તંત્રમાં ચિંતા વધી છે. વનવિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે કેદ કરવા માટે કિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં બે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે અને નાઇટ પેટ્રોલિંગ સાથે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી દીપડો પકડાઈ ન જાય અને પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન બને ત્યાં સુધી પ્રવાસીઓની સુરક્ષા અર્થે કિલ્લો બંધ રાખવામાં આવશે.
ઉપરકોટમાં દીપડો દેખાતાં કિલ્લો બંધ
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં રવિવારે પ્રવાસીઓની ભીડ વચ્ચે દીપડો દેખાતાં તેમજ રાત્રે પણ ફરી આંટાફેરા મારતાં પ્રવાસીઓ માટે કિલ્લો બંધ કરાયો છે. વનવિભાગે દીપડાને પાંજરે પૂરવા બે પાંજરા મૂકી જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.