ગુજરાતમાં 1180 કરોડનું ડ્રગ્સ પકડાતા કોંગ્રેસના આકરા પ્રહાર
» ૫ વર્ષમાં દેશમાં પકડાયેલા કુલ ડ્રગ્સમાંથી ૬૫ ટકા માત્ર ગુજરાતના બંદરો પરથી જપ્ત
» માત્ર ૧૦% ડ્રગ્સ પકદાય છે, બાકીનું ૯૦ ટકા યુવાધનને બરબાદ કરી રહ્યું હોવાનો આક્ષેપ
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતના બંદરો પરથી સતત પકડાઈ રહેલા ડ્રગ્સના મસમોટા જથ્થાને લઈને કોંગ્રેસે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલ અને સિનિયર અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો દાવો કરનાર ભાજપના રાજમાં ગુજરાત ડ્રગ્સ માફિયાઓના ભરડામાં આવી ચૂક્યું છે. કચ્છના દરિયામાંથી તાજેતરમાં ૧૧૮૦ કરોડ રૂપિયાનું કોકેઈન ઝડપાવું તે સાબિત કરે છે કે ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો માફિયાઓના કબજામાં છે.
કોંગ્રેસ નેતાઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરાયેલા આંકડાઓ ટાંકીને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ ના ૫ વર્ષમાં ભારતના તમામ બંદરો પરથી ૧૧,૧૩૧ કરોડ રૂપિયાની કિંમતનું ૪૬૬૩ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાંથી ૬૫ ટકા એટલે કે ૭,૩૮૩ કરોડનું ડ્રગ્સ એકલા ગુજરાતના બંદરો પરથી જ પકડાયું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, જે યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે.
વિદેશોમાંથી ગુજરાતમાં ડ્રગ્સ કોણ ઘુસાડી રહ્યું છે તેવો વેધક સવાલ ઉઠાવતા કોંગ્રેસે જણાવ્યું કે, મુન્દ્રા પોર્ટ પર ૧૧૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે તે બ્રાઝિલથી યુરોપના માર્ગો શિપમાં અમેરિકા, મેક્સિકો અને કરાચી થઈને આવ્યું હતું. સત્તાવાર વર્તુળો મુજબ આ ડ્રગ્સ દિલ્હીના દ્વારકામાં ૨ વિદેશીઓને આપવાનું હતું. લોકોમાં એવી ચર્ચા છે કે માત્ર ૧૦ ટકા ડ્રગ્સ જ પકડાય છે, જ્યારે બાકીનું ૯૦ ટકા ગુજરાતના યુવાનો સુધી પહોંચી જાય છે. અઢી લાખ કરોડ રૂપિયાનું GST ઉઘરાવતી સરકાર પાસે ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા આધુનિક મશીનરી કેમ નથી? તે એક મોટો સવાલ છે.
કોલેજોની બહાર ડ્રગ્સના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસ આગેવાનોએ ચેતવણી આપી છે કે જો કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલી સરકાર હવે નહીં જાગે તો ડ્રગ્સનું આ દૂષણ શાળાઓ સુધી પણ પહોંચી જશે. સરકારે તાત્કાલિક તટસ્થ તપાસ કરી અસલી ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવું જોઈએ.