જમીનનો બારોબાર ૨૧ કરોડમાં સોદો કરી ફુલેકું ફેરવ્યું: કેથોલિક ટ્રસ્ટના નકલી ફાધર ઊભા કરી ૨૮ લાખ પડાવ્યા!
-
ચાંદખેડાના રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે.
-
આરોપી ઉર્વશી ડાભીએ પોતાની ઓળખ હાઈકોર્ટના વકીલ અને ટ્રસ્ટી તરીકે આપી હતી.
-
પાટણના રાધનપુર સ્થિત ચર્ચના મૂળ ફાધરે પાવર ઓફ એટોર્ની ન આપ્યાની પુષ્ટિ કરી.
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના અમીયાપુર ગામની કરોડો રૂપિયાની જમીન વેચાણ આપવાના નામે ૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતે હાઈકોર્ટના વકીલ, વિજિલન્સ ઓફિસર અને કેથોલિક આશ્રમના ટ્રસ્ટી હોવાની ખોટી ઓળખ આપી બોગસ ફાધર (પાદરી) ઊભા કરી ગાંધીનગરની ઠગબાઝ મહિલાએ ચાંદખેડાના રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટને લાખોનો ચૂનો લગાવતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી મયુરસિંહ મંડોરા સાથે આશરે ૨૧.૫૦ કરોડ રૂપિયામાં જમીનનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો અને ઉર્વશી ડાભીએ મસ્કરેન્હાસ હેન્રી રોબર્ટના નામનો પાવર ઓફ એટોર્ની બતાવ્યો હતો.
આ વિશ્વાસના આધારે ફરિયાદી અને તેમના ભાગીદારે અલગ-અલગ તારીખે રોકડા તથા ચેક કે આરટીજીએસ મારફતે ૩૧ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે, શંકા જતાં જ્યારે તેઓ રાધનપુર કેથોલિક આશ્રમે પહોંચ્યા અને વડોદરા ખાતે અસલ ફાધરને મળ્યા ત્યારે ખુલાસો થયો કે તેમણે આવો કોઈ પાવર ઓફ એટોર્ની આપ્યો નથી અને દસ્તાવેજ પરની સહી બનાવટી છે. આ મામલે નાણાં પરત માંગતા ઉર્વશી ડાભીએ રિવોલ્વર હોવાની અને ખોટા એટ્રોસિટી તથા છેડતીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આખરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે કાયદેસરની તપાસ સઘન બનાવી છે.