સુરેન્દ્રનગરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત ધોરીમાર્ગોનું સમારકામ શરૂ: બામણબોર-સાયલા NH-47 પર પેચવર્ક પૂરજોશમાં!
-
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47 ને નુકસાન થયું હતું.
-
વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને સફાઈ અને પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે.
-
ક્ષતિગ્રસ્ત સપાટીની પદ્ધતિસરની સફાઈ કરીને જરૂરી સ્થળોએ મજબૂતાઈ પૂરી પમાડાઈ રહી છે.
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-47 (NH-47) પર બામણબોરથી સાયલા વચ્ચેના માર્ગનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને અમદાવાદને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગ પર તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રોડ સપાટીને નુકસાન થયું હતું. ભારે વરસાદના લીધે વાહનવ્યવહારમાં પડતી અડચણો દૂર કરવા અને માર્ગ પરથી પસાર થતા હજારો વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા ત્વરિત ધોરણે આ સમારકામ અને પેચવર્ક કામગીરી હાથ ધરાઈ છે.
આ સમારકામ અંતર્ગત ગુણવત્તા જાળવીને ક્ષતિગ્રસ્ત સપાટીની પદ્ધતિસરની સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ બાદ રસ્તાને પૂરતી મજબૂતાઈ પૂરી પાડવાના ભાગરૂપે જરૂરી સ્થળોએ ડબ્લ્યુએમએમ (WMM) તેમજ ગુણવત્તાયુક્ત બિટુમિનસ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી દ્વારા રોડ સપાટીને એકસરખી, સમતળ અને ટકાઉ બનાવવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં ભારે વરસાદ કે વધુ વાહનોના ધસારા સમયે પણ માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે.