વેરાવળમાં જમીન પચાવી પાડનાર 6 શખ્સો સામે લેન્ડગ્રેબિંગ નોંધાઈ
» રહેવા આપેલી ઓરડી પચાવી 14 રૂમ બનાવી ભાડું અને પાણી વેચવાનો કારસો
» જમીન ખાલી કરવા રાજકોટમાં 250 વારના 2 ફર્નિચરવાળા બંગલાની ખંડણી માંગી
સિટી ન્યૂઝ@રાજકોટ
વેરાવળમાં આશરો માંગ્યા બાદ આખી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. નિશુલ્ક ઓરડી આપનાર માલિકની જમીન પર કબ્જો જમાવી, ગેરકાયદે બાંધકામ કરી લાખો કમાતા ૬ શખ્સો સામે શાપર પોલીસમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જમીન ખાલી કરવા આરોપીઓએ રાજકોટમાં ૨૫૦ વારના ૨ બંગલાની ખંડણી માંગી હતી.
ખેડૂત હિમાંશુ કોરાટની ફરિયાદ મુજબ, તેમણે ૧૯૯૭ માં વેરાવળમાં ૧૫૮ પૈકી ૮ નંબરની ખેતીની જમીન ખરીદી હતી. આરોપીઓના પિતા વાલજી કોરાટ પાસે રહેઠાણ ન હોવાથી દયા ખાઈને તેમને એક ઓરડી નિશુલ્ક વાપરવા આપી હતી. આનો ગેરલાભ ઉઠાવી હિતેશ, ઘનશ્યામ, અશોક, કિશોર, જગદીશ અને નરોત્તમ કોરાટે ૨૦૧૧-૧૨ થી આ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો.
માલિક જમીન પર જાય ત્યારે આરોપીઓ પથ્થરમારો કરી જાનથી મારવાની ધમકી આપતા હતા. આ ભૂમાફિયાઓએ મંજૂરી વિના ૧૪ પાકી ઓરડીઓ બનાવી મજૂરોને ભાડે આપી ૧૨ વર્ષથી માસિક ૩૫૦૦૦ ભાડું ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત, બોર પર કબ્જો કરી શાપરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણી વેચીને માસિક ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ ની કમાણી શરૂ કરી હતી. મજૂરોને ભગાડી દેતા ખેડૂત ૧૨ વર્ષથી ખેતી કરી શક્યા ન હતા.
જ્યારે ખેડૂતે જમીન બિનખેતી કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ સરકારી તંત્રમાં ખોટા સોગંદનામા રજૂ કરી ગુમરાહ કર્યા. વીજચોરી આચરતા તેમને PGVCL દ્વારા ૪૪૦૦૦ નો દંડ પણ ફટકરાયો છે. જમીન ખાલી કરવા કહેવાયું ત્યારે આરોપીઓએ બ્લેકમેઇલ કરી રાજકોટમાં ૨૫૦ વારના ૨ ફર્નિશ્ડ બંગલા અથવા અડધી જમીનની માંગણી કરી હતી. આખરે કંટાળી માલિકે ૬ શખ્સો વિરૂદ્ધ શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા DYSP ચકવતિએ વધુ તપાસ હાથ ધરી છે.