માંગરોળમાં દીપડાનો આતંક ખતમ
- 2 દિવસથી ડરાવતો દીપડો પાંજરે પુરાયો.
- પશુઓનું મારણ કરનાર દીપડો કેદ.
- માંગરોળમાં આદમખોર બને તે પહેલાં દીપડો કેદ.
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મીઠીવાવ રોડ પાસે કેનાલ નજીક અવારનવાર દેખાતો ખુંખાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં પુરાઈ ગયો છે. આ દીપડાએ છેલ્લા 2 દિવસથી સ્થાનિક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અને લોકોમાં ભયનો માહોલ હતો. આ દીપડાએ 2 દિવસ પહેલાં સ્થાનિક વિસ્તારમાં 1 બકરા અને શ્વાનનું મારણ કર્યું હતું. આ ઘટનાના કારણે સમગ્ર મીઠીવાવ વિસ્તારના રહીશો અને પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. પશુઓ પર અવારનવાર થતા હુમલા અને દીપડાની ભયજનક અવરજવરને પગલે સ્થાનિક રહીશોએ પોતાની સલામતી માટે વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. લોકોની રજૂઆતને ગંભીરતાથી લઈને વન વિભાગની ટીમે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી.
વન વિભાગની ટીમે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મીઠીવાવ કેનાલ નજીકના વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું. દીપડાને પકડવાની આ કવાયત સફળ રહી હતી અને આજે આ ખૂંખાર દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આબાદ રીતે કેદ થઈ ગયો હતો. દીપડો કેદ થતાં જ વન વિભાગની ટીમ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પકડાયેલા દીપડાની પ્રાથમિક તપાસ કર્યા બાદ તેને વધુ સારસંભાળ અને સારવાર અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
દીપડો પકડાઈ જતા માંગરોળના રહીશોને મોટી રાહત
માંગરોળના મીઠીવાવ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી દીપડાએ ભારે દહેશત મચાવી હતી. શ્વાન અને બકરાના મારણ બાદ લોકોમાં ભય હતો. પરંતુ વન વિભાગે સમયસર પાંજરું ગોઠવીને દીપડાને ઝડપી લેતા મોટી દુર્ઘટના ટળી છે. પકડાયેલા દીપડાને હવે અમરાપુર ખાતે સારવાર માટે મોકલી દેવાયો છે. વન વિભાગની આ ઝડપી અને સફળ કામગીરીથી સમગ્ર વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.