ગીર સોમનાથમાં ઘર બહાર સૂતેલા યુવાન પર હુમલો.
-
ઘરની બહાર ઊંઘવું ભારે પડ્યું, સિંહણે યુવકનો ભોગ લીધો!
-
વન વિભાગની સહાયથી પરિવાર નારાજ, મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર!
-
સિંહણના આતંકથી ગ્રામજનો થરથર કાંપ્યા, વનવિભાગ પાંજરા ગોઠવવામાં વ્યસ્ત!
-
ગીરમાં માનવ અને સિંહ વચ્ચેનો સંઘર્ષ વધુ ખતરનાક બન્યો!
સિટી ન્યુઝ @ કોડીનાર
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે એક કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત રાત્રિના સમયે ઘરની બહાર સૂતેલા ૩૦ વર્ષીય યુવાન મહેશ પ્રતાપ રાઠોડને એક સિંહણ ઊંચકીને લઈ ગઈ હતી. પરિવારના સભ્યો બહાર હોવાથી યુવાન ઘરે એકલો જ સૂતો હતો, ત્યારે આ હુમલો થયો હતો.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામજનોએ યુવાનની ભારે શોધખોળ શરૂ કરી હતી. ઘરથી આશરે દોઢથી બે કિલોમીટર દૂર જંગલ કે આસપાસના વિસ્તારમાંથી યુવાનનો ક્ષતિગ્રસ્ત મૃતદેહ મળી આવ્યો હતો. સિંહણ દ્વારા યુવકને ફાડી ખાવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ફફડાટ ફેલાઈ ગયો છે.
મૃતક યુવાન મહેશ રાઠોડને પાંચ સંતાનો છે, જેમના માથેથી પિતાનો છાયો છીનવાઈ ગયો છે. આ દુર્ઘટના બાદ વન વિભાગ દ્વારા નિયમ મુજબ ૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે. પરંતુ પાંચ બાળકોના ભરણપોષણ માટે આ રકમ અપૂરતી હોવાનું જણાવીને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની સાફ ના પાડી દીધી છે.
પરિવારજનો અને ગ્રામજનોએ વધુ સહાયની ઉગ્ર માંગણી કરી છે જેથી બાળકોના ભવિષ્યની સુરક્ષા થઈ શકે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિવારને સમજાવવાના પ્રયાસોની સાથે રોષે ભરાયેલા લોકોને શાંત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
આ નૃશ્ય હુમલા બાદ વન વિભાગ દ્વારા નરભક્ષક કે હુમલાખોર સિંહણને પકડવા માટે યુદ્ધના ધોરણે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. સિંહણની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
સિંહણના હુમલામાં યુવકનું મોત અને વિવાદ
ગીર સોમનાથના વલાદર ગામે ઘર બહાર સૂતેલા ૩૦ વર્ષીય યુવાન મહેશ પ્રતાપ રાઠોડને સિંહણ ઊંચકીને લઈ જઈ ફાડી ખાધો હતો. આ કરુણ ઘટનાથી પરિવારમાં શોક ફેલાયો છે, જ્યારે પાંચ સંતાનોના ભરણપોષણ માટે અપર્યાપ્ત સહાય હોવાનું કહી પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. વન વિભાગ દ્વારા સિંહણને પકડવા માટે તાત્કાલિક પાંજરા ગોઠવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.