RBIના આદેશ વગર જ બેંકોની મનમાની: લોન વ્યાજદરમાં મોટો વધારો
- HDFC બાદ હવે કેનેરા બેંક અને બેંક ઓફ બરોડાએ વ્યાજદર વધાર્યા
- કેનેરા બેંક અને BoBએ MCLR દરમાં 0.05 ટકા સુધીનો કર્યો વધારો
- ત્રણ સરકારી અને ખાનગી બેંકોના નવા વ્યાજદરો તાત્કાલિક અસરથી લાગૂ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તાજેતરની ધિરાણનીતિમાં રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો ન હોવા છતાં દેશની અગ્રણી બેંકોએ મનમાની કરીને વ્યાજદરો વધારવાનું શરૂ કરી દીધું છે. ખાનગી ક્ષેત્રની જાયન્ટ એચડીએફસી (HDFC) બેંક દ્વારા વ્યાજદરમાં કરાયેલા વધારા બાદ હવે અગ્રણી સરકારી બેંકો એવી કેનેરા બેંક તથા બેંક ઓફ બરોડાએ (BoB) પણ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આ બંને બેંકોએ પોતાના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) આધારિત દરોમાં 0.05 ટકા સુધીનો વધારો ઝીંકી દીધો છે અને આ નવા વ્યાજદરો તાત્કાલિક અસરથી દેશભરમાં લાગૂ કરી દેવામાં આવ્યા છે.
કેનેરા બેંકે વિવિધ સમયગાળા માટે પોતાના દરોમાં સુધારો કર્યો છે, જે અંતર્ગત 24 કલાકનો MCLR વધારીને 7.95 ટકા, 1 મહિનાનો 8 ટકા, 3 મહિનાનો 8.25 ટકા, 6 મહિનાનો 8.60 ટકા અને 1 વર્ષનો દર 8.75 ટકા નક્કી કર્યો છે. આ સિવાય લાંબા ગાળાના ધિરાણ માટે 2 વર્ષનો દર 9 ટકા અને 3 વર્ષ માટેનો વ્યાજદર વધારીને 9.05 ટકા જેવો ઊંચો કરી દેવાયો છે. આ આકરા વધારાને કારણે હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોન લેનારા ગ્રાહકો માટે ધિરાણ પહેલાં કરતાં વધુ મોંઘું બનશે અને સામાન્ય પરિવારોના માસિક બજેટ ખોરવાઈ જશે.
બીજી તરફ સરકારી ક્ષેત્રની મોટી બેંક એવી બેંક ઓફ બરોડાએ પણ પોતાના MCLR દરોમાં 0.05 ટકાનો સીધો વધારો જાહેર કર્યો છે. બેંકિંગ નિષ્ણાતોના મતે, આ વધારાને કારણે અગાઉથી લોન લઈ ચૂકેલા ગ્રાહકોના માસિક હપ્તા (EMI) વધી જશે અથવા તો તેમની લોનની મુદતમાં વધારો થઈ જશે. આરબીઆઈના કડક વલણ છતાં બેંકો દ્વારા ફંડની પડતર કિંમત સરભર કરવાના બહાને સામાન્ય જનતા પર આ વ્યાજનો બોજ લાદવામાં આવી રહ્યો છે, જેને પગલે આગામી દિવસોમાં અન્ય બેંકો પણ વ્યાજદર વધારે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગ્રાહકો માટે લોન લેવી અને ચૂકવવી બંને મોંઘા બનશે રિઝર્વ બેંકે વ્યાજદરો સ્થિર રાખ્યા હોવા છતાં કેનેરા બેંક અને બેંક ઓફ બરોડાના આ આકરા નિર્ણયથી નવા તેમજ જૂના તમામ ગ્રાહકો પ્રભાવિત થશે. બેંકો દ્વારા વાર્ષિક વ્યાજદરમાં 0.05 ટકા સુધીનો વધારો ઝીંકાતા તમામ પ્રકારની રીટેલ અને કોર્પોરેટ લોન મોંઘી થઈ ગઈ છે, જેના સીધા પરિણામે મધ્યમ વર્ગના માસિક EMIના બજેટ પર નકારાત્મક અસર પડશે.