Loading Please Wait !!!
સુરક્ષા : ચોમાસા પૂર્વે રાજકોટ ડિવિઝનની મહત્વપૂર્ણ તૈયારી

સીટી ન્યૂઝ@રાજકોટ

ચોમાસા દરમિયાન રેલવે ટ્રેકની સુરક્ષા અને અવિરત રેલ વ્યવહાર સુનિશ્ચિત કરવા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને દ્વારકા-ભીમરાણા સેક્શનમાં વધારાનો જળ નિકાલ માર્ગ (નાળા)નું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. આ કામગીરીથી ભારે વરસાદ દરમિયાન જળભરાવ અને ટ્રેક ધોવાવાની સંભાવના ઘટશે.

રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, અતિભારે વરસાદ સમયે પાણીના વધતા પ્રવાહને કારણે ટ્રેક આસપાસ જળભરાવ અને સંરચનાત્મક નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને ૩ મીટર × ૧.૮ મીટર કદનો વધારાનો જળ નિકાલ માર્ગ બનાવવામાં આવ્યો છે.

આ નવી સુવિધા વરસાદી પાણીના પ્રવાહને વધુ સુચારુ બનાવશે અને પાણી નિકાલની ક્ષમતામાં વધારો કરશે. પરિણામે ટ્રેક પર પાણી ભરાવાની તથા સંભવિત ધોવારાની સ્થિતિમાં ઘટાડો થશે અને રેલવે માળખાકીય સુરક્ષા વધુ મજબૂત બનશે.

રાજકોટ ડિવિઝન દ્વારા ચોમાસા દરમિયાન સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા સંબંધિત વિવિધ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર મુસાફરોને સુરક્ષિત, વિશ્વસનીય અને અવિરત રેલ સેવા ઉપલબ્ધ કરાવવા ડિવિઝન સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને ચોમાસા દરમિયાન જરૂરી તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.