Loading Please Wait !!!
10 દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખત વધારો : લોક સંસદ વિચાર મંચ


=> સતત ભાવવધારાથી મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું, ખેડૂતો બળદગાડા યુગ તરફ ધકેલાયા

સિટી ન્યૂઝ@રાજકોટ

યુદ્ધના બહાના હેઠળ ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. આજે પેટ્રોલમાં પ્રતિ લિટર ૨.૬૧ રૂપિયા અને ડીઝલમાં ૨.૭૧ રૂપિયાનો વધારો થતાં, ૧૦ દિવસમાં ૪ વખત ભાવ વધ્યા છે. આનાથી આમ આદમીનું બજેટ ખોરવાયું છે અને ગુજરાતમાં પેટ્રોલ ૧૦૦ થી ૧૧૦ રૂપિયે પાર પહોંચી ગયું છે.

લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, ઈન્દુભા રાઓલ અને અન્ય આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવા છતાં સરકારે રાહત આપવાને બદલે ઉઘાડી લૂંટ ચલાવી છે. સરકાર ઈંધણ પર રોજના અંદાજે ૧૦૦૦ કરોડનો ટેક્સ વસૂલી રહી છે, જેનાથી કાળઝાળ મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે.

સંસ્થાના આક્ષેપ મુજબ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન જેવા દેશોએ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી લોકોને ૧૫ થી ૧૭ રૂપિયાની રાહત આપી છે, પરંતુ ભારત સરકાર આકરા વેરા ઘટાડવા તૈયાર નથી. લોકોની માંગ છે કે જો પેટ્રોલ-ડીઝલને ૨૮ ટકા GST ના દાયરામાં લાવવામાં આવે, તો સીધો ૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.

આગેવાનોએ અપીલ કરી છે કે પેટ્રોલિયમ કંપનીઓએ તગડા નફાને ધ્યાનમાં રાખી હાલ રાષ્ટ્રહિતમાં નફો ઘટાડવો જોઈએ. કંપનીઓએ પંપ અને ઓફિસો પર સોલાર સિસ્ટમ લગાવી ગ્રાહકોને ફાયદો કરાવવો જોઈએ. હાલમાં ડીઝલની તંગી અને ભાવવધારાને જોતા સરકાર ખેડૂતોને ફરીથી બળદગાડા યુગમાં ધકેલી રહી હોવાનો આભાસ થાય છે.