Loading Please Wait !!!
રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓનું ધોરણ 10-12માં ઉત્કૃષ્ટ પ્રદર્શન

સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-10 અને 12ની પરીક્ષામાં રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેલના સળિયા પાછળ સજા કાપી રહ્યા હોવા છતાં, શિક્ષણ મેળવવાની આશા અને મક્કમ નિર્ધાર સાથે બંદીવાનોએ આ ઝળહળતી સફળતા હાંસલ કરી છે.

આ વર્ષે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી શિક્ષણ મેળવી રહેલા બંદીવાનોએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી પરિણામ ખૂબ જ પ્રોત્સાહક આવ્યું છે. ધોરણ-10માં  કુલ 6 બંદીવાનોએ પરીક્ષા આપી હતી જેમાંથી 2 બંદીવાન સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. જયારે ધોરણ-12માં કુલ 4 બંદીવાનોએ પરીક્ષામાં આપી, અને આ તમામ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થતા 100% પરિણામ મેળવ્યું છે 

કેદીઓમાં શિક્ષણનું સ્તર વધે અને તેઓ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે તે માટે જેલ તંત્ર દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાજ્યની જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાના સકારાત્મક અભિગમ હેઠળ કેદીઓ માટે આ વિશેષ શૈક્ષણિક આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક વી.પી. ગોહિલના નેતૃત્વમાં અને શિક્ષણ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ બંદીવાનો માટે જેલની અંદર જ બોર્ડની પરીક્ષા માટેની તમામ જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેલ પ્રશાસનની આ પહેલને કારણે કેદીઓએ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવવા તરફ એક મજબૂત કદમ ઉઠાવ્યો છે.