Loading Please Wait !!!
મહિલા પોલીસ માટે સર્વાઈકલ, બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સેમિનાર

=> રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ

=> 150 થી વધુ મહિલા પોલીસકર્મીઓને HPV રસીકરણ અંગે અપાયું માર્ગદર્શન

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરની સુરક્ષા અને પરિવારની બેવડી જવાબદારી નિભાવતી મહિલા પોલીસ કર્મચારીઓના આરોગ્યની જાળવણી માટે રાજકોટમાં એક વિશેષ આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ઓબસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી, રાજકોટ પોલીસ તંત્ર અને PDU મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સેમિનારમાં સર્વાઈકલ (ગર્ભાશયના મુખના) કેન્સર અને બ્રેસ્ટ કેન્સર વિશે વિસ્તૃત જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે જ, 150 થી વધુ મહિલા કર્મચારીઓ માટે HPV રસીકરણનું મહત્વ સમજાવી વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.

સેમિનારનું માર્ગદર્શન આપતા DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે, મહિલા પોલીસ કર્મચારીઓ ફરજના કલાકો અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઘણીવાર બેદરકાર રહે છે. આથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના નેતૃત્વ હેઠળ આ ખાસ આયોજન કરાયું છે. ગર્ભાશયના કેન્સરથી બચવા માટે દર વર્ષે નિયમિત ચેકઅપ કરાવવું અત્યંત જરૂરી છે, જેથી રોગનું વહેલું નિદાન અને સારવાર થઈ શકે.

સોસાયટીના પ્રમુખ અને જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડ્યાએ આંકડાકીય માહિતી આપતા ચેતવણી આપી હતી કે, હાલમાં દર 8 મિનિટે એક સ્ત્રીનું સર્વાઈકલ કેન્સરના કારણે મૃત્યુ થાય છે. ભારતીય મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં આ રોગ બીજા ક્રમે છે. આ ગંભીર રોગથી બચવા 9 થી 14 વર્ષની બાળકીઓને 6 મહિનાના અંતરે HPV ના 2 ડોઝ અને 15 વર્ષથી મોટી મહિલાઓને 3 ડોઝ લેવા હિતાવહ છે. 25 થી 65 વર્ષની મહિલાઓએ નિયમિતપણે પેપ ટેસ્ટ (Pap Test) કરાવવો જોઈએ.

આ સેમિનારમાં બ્રેસ્ટ કેન્સરના વધતા પ્રમાણ અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ હતી. નિષ્ણાત તબીબો દ્વારા મહિલાઓને જાતે જ સ્તનની તપાસ (Self Breast Examination) કઈ રીતે કરવી, તે અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડો. લતા જેઠવાણી, ડો. રાધિકા જાવિયા અને ડો. અશ્વિની જસાણી સહિતની તબીબી ટીમે આધુનિક સારવાર પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી.

આ કેમ્પમાં 50 થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓના પેપ સ્મીયર ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમજ જરૂરિયાતમંદ મહિલાઓના મેમોગ્રાફી ટેસ્ટ પણ તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સેક્રેટરી ડો. ફોરમ તન્ના સહિતના તબીબોની વિશાળ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.