વડોદરામાં મેગા ટ્રાફિક જામ: વાહનચાલકો રઝળ્યા
- ડીપીએસથી ખિસકોલી સર્કલ સુધી 1 કલાક સુધી વાહનોની લાંબી કતારો લાગી
- જામમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ, લોકોએ જાતે જ ટ્રાફિક ક્લિયર કરાવ્યો.
- 1 કલાક સુધી રસ્તાઓ બ્લોક રહ્યા, ટ્રાફિક કર્મીઓ ફરજ પરથી ગાયબ.
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા શહેરમાં દિલ્હી પબ્લિક સ્કૂલથી લઈને ખિસકોલી સર્કલ સુધી આજે સવારે ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લાંબા સમય સુધી ટ્રાફિક પોલીસનો કોઈ જવાન સ્થળ પર ન જોવા મળતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતાં લોકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ ફેલાયો હતો.
દિલ્હી પબ્લિક સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર સર્જાયેલા આ જામમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ચારેય તરફ વાહનોની અવરજવર ઠપ્પ થઈ જતાં લોકો 1 થી વધુ કલાક સુધી રસ્તા પર અટવાઈ રહ્યા હતા. ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ ટ્રાફિક પોલીસકર્મી કે જવાબદાર અધિકારી આ વિસ્તારમાં ક્યાંય જોવા મળ્યા નહોતા.
પોલીસની ગેરહાજરીના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી અને વાહનોનો જમાવડો વધતો જ ગયો હતો. અંતે સ્થાનિક રહેવાસીઓ અને કેટલાક વાહનચાલકો પોતાની ગાડીઓમાંથી નીચે ઉતરીને રસ્તા પર આવ્યા હતા. આ જાગૃત નાગરિકોએ વાહનોને યોગ્ય દિશામાં પસાર કરાવી ટ્રાફિક હળવો કરવાનો અને રસ્તો ખુલ્લો કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.
આ ભારે ટ્રાફિકના કારણે ઓફિસ જતાં કર્મચારીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં ભારે વિલંબ થયો હતો. અનેક લોકો સમયસર નોકરી-ધંધા પર પહોંચી શક્યા નહોતા. આ અંધાધૂંધી વચ્ચે ઈમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
એમ્બ્યુલન્સને રસ્તો મળી રહે તે માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી છતાં ટ્રાફિકનું દબાણ વધુ હોવાથી એમ્બ્યુલન્સને પણ લાંબો સમય રાહ જોવી પડી હતી. ટ્રાફિક વ્યવસ્થાના આ સદંતર અભાવને લઈને સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. લોકોની માંગ છે કે પીક અવર્સ દરમિયાન વ્યસ્ત માર્ગો પર પોલીસની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે.
ટ્રાફિક જામમાં ફસાઈ એમ્બ્યુલન્સ લોકોમાં ભારે રોષ
વડોદરાના માર્ગો પર પીક અવર્સ દરમિયાન સર્જાયેલા આ મહાકાય ટ્રાફિક જામે પોલીસની કામગીરીની પોલ ખોલી નાખી છે. 1 કલાક સુધી હજારો વાહનો અને 108 એમ્બ્યુલન્સ ફસાઈ હોવા છતાં કોઈ પોલીસકર્મી ફરક્યો નહોતો. લોકોએ જાતે જ રસ્તા પર ઉતરીને ટ્રાફિક ક્લિયર કરાવવો પડ્યો હતો. તંત્રની આ ઘોર બેદરકારીથી નાગરિકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે.