Loading Please Wait !!!
ડીજીટલ ગુજરાતના દાવા પોકળ, માતૃ વંદના યોજના નિષ્ફળ!

 

  • સરકારી યોજનાઓની પોલ ખુલી: માત્ર 27 ટકાને જ સહાય!

  • ટેકનોલોજીની જટિલતાથી ગર્ભવતી મહિલાઓ સરકારી સહાયથી વંચિત!

  • માતૃત્વ સહાય યોજનાઓમાં વહીવટી ખામીઓનો મોટો પર્દાફાશ!

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સ અને મહિલા સશક્તિકરણના મોટા દાવાઓ વચ્ચે ગર્ભવતી અને ધાત્રી માતાઓના અધિકારોને લઈને એક કડવી વાસ્તવિકતા સામે આવી છે. 'અન્ન સુરક્ષા અધિકાર અભિયાન' દ્વારા રાજ્યના 9 જિલ્લાઓમાં હાથ ધરાયેલા સર્વેમાં ખુલાસો થયો છે કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ માત્ર 27.4 ટકા મહિલાઓને જ નાણાકીય સહાય મળી શકી છે, જ્યારે 'નમો શ્રી' યોજનાનો લાભ માત્ર 4.8 ટકા અરજદારો સુધી જ પહોંચ્યો છે.

સરકારી યોજનાઓનો સમયસર લાભ ન મળવાને કારણે 77.2 ટકા મહિલાઓએ પ્રસૂતિનો તમામ તબીબી ખર્ચ પોતાના જ ખિસ્સામાંથી ભોગવવો પડ્યો છે. આ સર્વે મુજબ ગરીબ અને શ્રમિક પરિવારોએ પ્રસૂતિ પાછળ સરેરાશ રૂ. 16,951 નો ભારેખમ ખર્ચ કરવો પડ્યો છે. રોજનું કમાઈને ખાતા પરિવારોને પૌષ્ટિક આહાર મળવાના બદલે યોજનાઓના અભાવે દેવાના ડુંગર નીચે દબાઈ જવાનો વારો આવ્યો છે.

સરકારે યોજનાઓ ઓનલાઈન તો કરી દીધી છે, પરંતુ જમીની હકીકત એ છે કે ટેકનોલોજી જ ગરીબો માટે મોટો અવરોધ બની છે. સર્વેમાં સામે આવ્યું છે કે 93.2 ટકા મહિલાઓ પાસે આધાર કાર્ડ અને 82.7 ટકા પાસે બેંક ખાતા હોવા છતાં વહીવટી જટિલતાઓ નડી રહી છે. 57.5 ટકા કિસ્સાઓમાં આધારના ઓટીપી (OTP) મહિલાઓના બદલે તેમના પતિના મોબાઈલ પર જતા હોવાથી સિસ્ટમમાં ગૂંચવાડો સર્જાય છે અને અરજીઓ લટકી પડે છે.

સામાજિક સંગઠનોનું સ્પષ્ટ માનવું છે કે માતૃત્વ લાભ એ સરકારનું કોઈ દાન નથી પરંતુ દરેક ગર્ભવતી મહિલાનો મૂળભૂત અધિકાર છે. સંગઠનોએ માંગ કરી છે કે આ ડિજિટલ પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવે, મળવાપાત્ર સહાયની રકમને મોંઘવારી સાથે જોડીને વધારવામાં આવે અને પ્રથમ બાળકની મર્યાદા તેમજ ઉંમરના કડક નિયમો હટાવીને દરેક જન્મ માટે આ લાભ સાર્વત્રિક કરવામાં આવે.

આ સર્વેના ચોંકાવનારા આંકડાઓએ સરકારની કાગળ પરની યોજનાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચેની ખાઈને ઉજાગર કરી દીધી છે. જો સમયસર આ વહીવટી ખામીઓ દૂર કરવામાં નહીં આવે, તો ગરીબ અને શ્રમિક વર્ગની માતાઓ માટે યોજનાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી જશે અને તેમનું શોષણ ચાલુ રહેશે.

ડિજિટલ ભારતની ઓટીપી સિસ્ટમમાં ગર્ભવતી માતાઓના હકો ગાયબ!

સરકાર ભલે ડિજિટલ ગવર્નન્સ અને મહિલા સશક્તિકરણના ગીતો ગાતી થાકતી ન હોય, પરંતુ જમીની હકીકત એ છે કે ઓનલાઈન પ્રક્રિયાઓ ગરીબ માતાઓ માટે અભિશાપ સાબિત થઈ રહી છે. પત્નીના બેંક ખાતા અને આધાર કાર્ડ સાથે પતિનો મોબાઈલ નંબર લિંક હોવાના વાહીયાત નિયમો કે ટેકનિકલ ગૂંચવાડાઓને કારણે હજારો જરૂરિયાતમંદ મહિલાઓ સરકારી સહાયથી વંચિત રહી જાય છે. જ્યારે ગર્ભવતી મહિલાઓને પોષણ અને સારવાર માટે વલખાં મારવા પડે અને દેવાના ડુંગર નીચે દબાવું પડે, ત્યારે આવી ડિજિટલ વ્યવસ્થા પર સવાલ ઉઠવો સ્વાભાવિક છે.