Loading Please Wait !!!
હજારો મિલકતોના દસ્તાવેજ અને વહીવટી પ્રક્રિયા અટવાતા અરજદારો પરેશાન : મયુર શાહ

  • રાજકોટમાં અશાંતધારા મુદ્દે પ્રશાસન શાંત કેમ?
  • અધિકારી રજા પર તો વિકલ્પની વ્યવસ્થા કેમ નહીં?

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં અશાંતધારા નિવારણના મુદ્દે પ્રશાસન આખરે શાંત કેમ છે? સરકારની બેદરકારીને કારણે હજારો મિલકતોના દસ્તાવેજો તથા વહીવટી પ્રક્રિયા અટવાઈ ગઈ છે અને અસંખ્ય અરજદારો રોજેરોજ કલેક્ટર કચેરીના ધક્કા ખાઈને નિરાશ પરત ફરી રહ્યા છે. તેમ રાજકોટ કોંગ્રેસ શહેર સમિતિના મંત્રી મયુર શાહે જણાવ્યું છે.મયુર શાહે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન માત્ર માઇનોરિટી સમાજની મિલકતો પૂરતો સીમિત નથી. હિન્દુથી હિન્દુ મિલકતના વેચાણ અને દસ્તાવેજો પ્રક્રિયામાં પણ ગૂંચવણ સર્જાઈ છે, જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર્જ અધિકારી રજા પર જાય ત્યારે તેનો વૈકલ્પિક વહીવટી ચાર્જ ગોઠવવો સરકાર અને તંત્રની જવાબદારી છે. તો પછી આટલા મહત્વના કામ માટે અધિકારીનો વિકલ્પ કેમ નક્કી કરવામાં આવ્યો નથી? ધોકો પછાડીને વેરો વસુલતી સરકાર પાસે અધિકારીઓના વિકલ્પની વ્યવસ્થા કેમ નથી? આ સવાલોનો જવાબ સરકાર અને પ્રશાસને રાજકોટની પ્રજાને આપવો જોઈએ તેમ મયુર શાહે જણાવ્યું હતું. સરકારે સમગ્ર પ્રશ્નને ગંભીરતાથી લઈને પ્રાંત કચેરીનો વહીવટી ચાર્જ તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટરને સોંપવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. જેથી લાંબા સમયથી હેરાન થઈ રહેલા અરજદારોની સમસ્યાનું ઝડપથી નિરાકરણ આપે અને મિલકતોના દસ્તાવેજ તથા વહીવટી કામગીરી ફરી સુચારુ બને.

  • તલાટી-કમ-મંત્રીના જોબ ચાર્ટ અંગે સ્પષ્ટતા જરૂરી

ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી-કમ-મંત્રીના જોબ ચાર્ટ અંગે પણ સરકારનો સ્પષ્ટ હસ્તક્ષેપ જરૂરી હોવાનું મયુર શાહે જણાવ્યું છે. તલાટી-કમ-મંત્રીએ કઈ કામગીરી કરવાની છે તેની સ્પષ્ટતા અને જવાબદારી નક્કી કરવામાં આવે તો ગ્રામ્ય પ્રજાની હેરાનગતિ ઘટાડી શકાય, ખાસ કરીને લીઝ તથા મહેસૂલ પ્રાપ્તિ જેવી કામગીરીમાં તલાટી-કમ-મંત્રીની ફરજ સ્પષ્ટ અને ફરજિયાત કરવી જરૂરી છે, જેથી સામાન્ય નાગરિકોને એક કચેરીથી બીજી કચેરીના ધક્કા ન ખાવા પડે. સરકાર તાત્કાલિક નિર્ણય લઈ પ્રજાની મુશ્કેલી દૂર કરવી તેવી માંગ રાજકોટ કોંગ્રેસ શહેર સમિતિના મંત્રી મયુર શાહે કરી છે.