Loading Please Wait !!!
મોદી સ્કૂલમાં `માફિયારાજ' વેકેશનમાં વાલીઓની સહી લઈને ક્લાસ!

  • રાજકોટના DEO માત્ર મંજીરા જ વગાડે છે
  • DEOના પરિપત્ર, સંચાલક મંડળની તાકીદ છતાંય મોદી સ્કૂલ વેકેશન બેચમાં તગડી ફી ઉઘરાવી હોવાથી બેચ ચાલુ રાખવા વાલીઓ ઉપર સહમતિ પત્રમાં સહી કરાવી `ખેલ' પાડી દીધો
  • મોદી સ્કૂલો સરકારના નિયમોની ઐસી તૈસી કરી ચૂંટણી ફંડના નામે નેતાઓને પણ પોતાની તરફેણમાં લઈ લીધા

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ શહેરમાં વેકેશન બેચ વિવાદ હવે વધુ ગરમાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વેકેશન અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં અને ખાનગી શાળા સંચાલક મંડળે શનિવારથી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કર્યા બાદ પણ કેટલીક ખાનગી શાળાઓ હજુ નિયમોથી ઉપરવટ જઈ રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

તાજી ઘટનામાં રાજકોટની મોદી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એક પત્ર આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં વાલીઓની સહમતિ સાથે વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા માટે સહી માંગવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મુદ્દે વિદ્યાર્થી વર્તુળો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત એ આ મામલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વેકેશન, જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્ર અને ખાનગી શાળા સંચાલક મંડળની તાકીદ બાદ પણ જો શાળાઓ વેકેશનમાં અભ્યાસ ચાલુ રાખવા માટે વાલીઓ પાસેથી સહમતિ પત્ર ભરાવી રહી હોય, તો એ સ્પષ્ટ રીતે નિયમોની અવગણના છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી સમગ્ર મામલે માત્ર મુખપ્રેક્ષક બની બેઠા છે. સતત વિરોધ, રજૂઆતો અને વિદ્યાર્થીઓની ફરિયાદો છતાં નિયમ ભંગ કરતી શાળાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ખાનગી શાળા સંચાલકો બેફામ બન્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી પર સીધા પ્રહાર કરતા તેમને નમાલા અને ડરપોક ગણાવી ખાનગી શાળા સંચાલકોના કઠપૂતળી તરીકે કામ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસે જણાવ્યું કે જો શિક્ષણ તંત્ર ખરેખર ગંભીર હોય તો નિયમ ભંગ કરતી શાળાઓ સામે તાત્કાલિક તપાસ અને દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ.

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચર્ચા છે કે સરકારના નિયમો અને જાહેર સૂચનાઓ બાદ પણ જો શાળાઓ પોતાની મનમાની ચાલુ રાખે છે, તો આખરે આવા ખાનગી સ્કૂલ સંચાલકો પર લગામ કોણ લગાવશે ? કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનો પ્રયાસ બંધ નહીં થાય, તો વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર આંદોલન અને શાળાઓ સામે હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવશે.