Loading Please Wait !!!
મોંઘવારી વધી, ખુશીઓ ઘટી લોકો પર આર્થિક દબાણ વધ્યું

  • બજેટનો બેલેન્સ તૂટ્યો : ખિસ્સા પર ભારે બોજ
  • 20માંથી 16 આવશ્યક ચીજવસ્તુઓના ભાવ 36% સુધી મોંઘા થયા
  • ટમેટા, ડુંગળી, લીંબુ, બટાકા અને તેલના ભાવમાં વધારો નોંધાયો
  • શાકભાજીના ભાવમાં 30 થી 50%નો વધારો નોંધાયો
  • ગૃહિણીઓને બે છેડા ભેગા કરવા અઘરા

સિટી ન્યૂઝ@રાજકોટ : રાજ્યમાં ઉનાળાની આકરી ગરમીની સીધી અસર હવે શાકભાજીના બજારમાં જોવા મળી રહી છે અને અસહ્ય ગરમીના લીધે અમુક શાકના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને પણ નુકસાની સહેવી પડી છે અને તેના લીધે પુરવઠો પણ ઓછો બજારમાં આવી રહ્યો છે.

શાકભાજીના ભાવમાં કિલોએ 30 થી 50 ટકાનો વધારો થઇ જતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઇ ગયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે લીંબુના ભાવ તો આસમાને પહોંચ્યા છે. મહિના પહેલા 100 રૂપિયા પ્રતિ કિલો મળતું લીંબુ હવે સીધા 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. 

વેપારીઓના જણાવ્યા મુજબ હાલ લગ્નની સીઝન અને સાથે સાથે આકરા તાપમાનને કારણે ઠંડા પીણાં, શેરડીના રસ અને અન્ય વાનગીઓમાં લીંબુનો ઉપયોગ વધતા માંગમાં ભારે વધારો થયો છે, જેના કારણે ભાવ સતત ઉંચા જઈ 
રહ્યા છે. 

આગામી દિવસોમાં લીંબુના ભાવ 300ને પણ પાર કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટમેટા કે જે સામાન્ય રીતે 30 રૂપિયે કિલો મળતા હોય છે તેના ભાવ હવે 80 રૂપિયા સુધી પહોંચી ગયા છે. 

તો બીજી તરફ શાક મોંઘા થવાની સાથે સાથે સારી ક્વોલિટીના બટેટા પણ 30 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે, આથી શાક ન પોસાય તો લોકો બટેટાનુ શાક ખાઇને ચલાવી લે, પરંતુ એ પણ મોંઘા થાય તો લોકોને ખાવા જેવું વધે શું તેવો સવાલ ઉઠી રહ્યો છે. 
બીજી તરફ ઓણ સાલ માવઠાંની પરંપરા ચાલી છે. જેના લીધે કુદરતી આફતોનો સામનો કર્યા બાદ હવે ખેડૂતોને મોંઘા ભાવના બીયારણ અને જંતુનાશક દવાઓનો વપરાશ 

કર્યા બાદ ઉંચી મજૂરી ચૂકવી શાકની ખેતી કરી હતી અને હવે કાળઝાળ ગરમીના લીધે અમુક પાક બળી જતાં ખેડૂતોને પણ જંગી નુકસાન ભોગવવું પડી રહ્યું છે અને લોકોને શાક મોંઘુ પડી રહ્યું છે.

હાલમાં ભારે ગરમીને કારણે લગ્ન પ્રસંગ તેમજ અન્ય પ્રસંગ ઉજવવા પણ મુશ્કેલી રૂપ બની ગયા છે કારણ કે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે સરકારનો પણ કોઈ નિયંત્રણ ન હોય તેવું જોવા મળી રહ્યું છે.