મોટા દડવા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો
» ફઈના ક્લિનિકમાં અનુભવ મેળવી બે વર્ષથી ક્લિનિક ખોલી દવા આપતો હતો
» ગ્રામ્ય એસઓજીનો સફળ દરોડો : દવા સહીત 8000નો મુદામાલ કબ્જે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ડિગ્રી વિના એલોપેથિક પ્રેકિટસ કરતા બોગસ ડોકટરોને પકડી પાડવા તથા ડિગ્રી વગરના બોગસ ડોકટર સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા અને અસરકારક કામગીરી કરવા માટે આપેલ સૂચનાથી રૂરલ એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં પીએસઆઈ જે.જી. ઝાલા, પી.બી. મિશ્રા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન માહિતી મળી હતી કે, આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલા મોટા દડવા ગામમાં ધર્મેશ ઉર્ફે લાલો નામનો શખ્સ પોતાના મકાનમાં દવાખાનું ચલાવે છે અને આ શખ્સ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી.બાતમી આધારે પોલીસ ટીમે મોટા દડવા ગામે તપાસ કરતા એક શખ્સ મકાનમાં ક્લિનિક ચલાવતો હોવાનો માલુમ પડ્યું હતું. પોલીસે તેની પૂછતાછ કરતા તેમણે પોતાનું નામ ધર્મેશ ઉર્ફે લાલો વિમલ ગોપીયાણી (રહે મોટા દડવા) હોવાનું જણાવ્યું હતું.
તે અહીં એલોપેથીક દવાઓ, ઇન્જેકશન સ્ટીરોઇડ તથા એન્ટીબાયોટિક દવાઓ રાખી એલોપેથિક ડોકટર તરીકે પ્રેકિટસ કરતો હતો જેથી તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ અંગેની જરૂરી ડિગ્રી માંગતા તેની પાસે આવી કોઈ ડીગ્રી ન હોવાનું માલુમ પડયું હતું. પોલીસે અહીંથી એલોપેથીક દવાઓ ઈન્જેકશન અને રોકડ રકમ સહિત રૂ. ૮,૦૭૩ નો મુદ્દામાલ કબજે કરી આ શખ્સ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ડિગ્રી વગર પ્રેકિટસ કરતા ઝડપાયેલ ધર્મેશ ઉર્ફે લાલાએ એસ.વાય. બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે તેના ફઈ બીએચએમએસ ડોકટર હોય અગાઉ તે તેમના ક્લિનિકમાં કમ્પાઉન્ડરી કરતો હતો. જેથી તેને તબીબી લાઇનનો અનુભવ મળ્યા બાદ છેલ્લા બે વર્ષથી અહીં મોટા દડવા ગામે ખુદનું ક્લિનિક શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.