Loading Please Wait !!!
શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું સંચાલન શિક્ષકોને સોંપવામાં આવ્યું.

  • બિન-શૈક્ષણિક કામગીરીના ભારણથી સરકારી શાળાઓનું શિક્ષણ કથળ્યું.

  • બાળકોને ભણાવવાને બદલે શિક્ષકો અન્ય કામોમાં વ્યસ્ત.

  • શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે વહીવટી ભારણ વધ્યું.

 સિટી ન્યુઝ @ ગાંધીનગર

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ડિજિટલાઈઝેશન અને ગુણવત્તાસભર શિક્ષણના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. પ્રાથમિક શાળાઓના આચાર્યો અને શિક્ષકો પર બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે, જેમાં હવે વધુ એક કડી ઉમેરાઈ છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડની 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ શરૂ કરાયેલા ભોજન વિતરણ કેન્દ્રોના સંચાલનની જવાબદારી હવે શિક્ષકોને સોંપવામાં આવી છે, જેને પગલે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

શિક્ષકોને વર્ગખંડમાં બાળકોને ભણાવવાના મૂળભૂત કાર્યથી દૂર રાખીને ડેટા એન્ટ્રી, પોર્ટલ અપડેટ, સરકારી યોજનાઓના રિપોર્ટિંગ, સર્વેક્ષણ, બિલ સબમિશન તેમજ ચૂંટણીલક્ષી કામગીરી અને મતદારયાદી સુધારણા જેવા વહીવટી કાર્યો સોંપવામાં આવતા હતા. હવે તેમાં ઉમેરો કરીને શિક્ષકોને 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'ના નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને ભણાવવાને બદલે શિક્ષકોએ શ્રમિકોને સમયસર ભોજન મળે છે કે કેમ તેની દેખરેખ રાખવાની જવાબદારી નિભાવવી પડશે.

શિક્ષણવિદો અને વાલીઓ દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે જો શિક્ષકો આ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ અને યોજનાઓના સંચાલનમાં જ વ્યસ્ત રહેશે, તો સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને ભણાવશે કોણ? એક તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે અને બીજી તરફ આ પ્રકારના બિન-શૈક્ષણિક ભારણને કારણે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે.

શિક્ષકોને સોંપાઈ અન્નપૂર્ણા યોજનાની જવાબદારી

સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો પર બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડની 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' હેઠળ ભોજન વિતરણ કેન્દ્રોના સંચાલન માટે શિક્ષકોને નોડલ ઓફિસર બનાવવામાં આવતા શિક્ષણ જગતમાં રોષ ફેલાયો છે. બાળકોને ભણાવવાને બદલે વહીવટી અને યોજનાકીય કામો સોંપાતા શિક્ષણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.