ગુજરાતમાં 5 વર્ષમાં 33,000 અંત્યોદય કાર્ડ રદ કરાયા
-
વર્ષ 2020 માં 8.10 લાખ કાર્ડ હતા, જે ઘટીને 2025 માં 7.77 લાખ થયા
-
મફત અનાજ બંધ થતાં ઝૂંપડપટ્ટી અને ખેતમજૂર પરિવારોની સ્થિતિ દયનીય
-
રાજ્યમાં 5 કે તેથી વધુ સભ્યો ધરાવતા 3.52 લાખ ગરીબ પરિવારો
સિટી ન્યુઝ @ ગાંધીનગર
રાજ્ય સરકાર દ્વારા સમૃદ્ધ અને વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે જમીની વાસ્તવિકતામાં ગરીબોના અધિકારો પર તરાપ વાગતી હોવાનું સામે આવ્યું છે. સરકારી ચોપડે ગરીબી ઓછી દર્શાવવા અને સિદ્ધિઓનો ભ્રામક દેખાડો કરવાના ભાગરૂપે અન્ન પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં રાજ્યભરમાંથી કુલ 33,000 જેટલા અંત્યોદય રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. આજે પણ રાજ્યના 7 લાખથી વધુ પરિવારો બે ટંકનું ભોજન મેળવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે.
ગરીબી નિર્મૂલન કરવાના બદલે ગરીબોની સંખ્યા કાગળ પર ઘટાડવાના પ્રયાસ હેઠળ અંત્યોદય કાર્ડ ધારકોની સંખ્યા સતત ઘટી રહી છે. વર્ષ 2020 માં ગુજરાતમાં 8.10 લાખ અંત્યોદય કાર્ડ ધારકો નોંધાયેલા હતા, જે વર્ષ 2025 માં ઘટીને માત્ર 7.77 લાખ થઈ ગયા છે. આમ, સીધી રીતે 33,000 અતિ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળતું નિયમિત મફત અનાજ બંધ કરી દેવાતાં તેમની સ્થિતિ વધુ કફોડી બની છે.
નોંધનીય છે કે અંત્યોદય કાર્ડ સમાજના અત્યંત વંચિત વર્ગ જેવા કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, ગ્રામીણ નાના કારીગરો, રોજમદારો, જમીન વિહોણા ભૂમિહીન ખેતમજૂરો, નિરાધાર વૃદ્ધો, વિધવાઓ અને ત્યક્તા મહિલાઓને આપવામાં આવે છે. આવા નબળા અને આર્થિક રીતે પછાત વર્ગ પાસેથી જ આજીવિકા સમાન રેશનકાર્ડ છીનવી લેવામાં આવતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, અગાઉ ગુજરાતમાં 31.89 લાખ પરિવારોએ અંત્યોદય કાર્ડના આધારે દર મહિને 45 કિલો મફત અનાજ મેળવ્યું હતું. રાજ્યમાં 3.52 લાખ એવા પરિવારો છે જેમાં સભ્યોની સંખ્યા 5 કે તેથી વધુ છે. મોટા પરિવારો અને સતત વધતી મોંઘવારી વચ્ચે 7 લાખથી વધુ ગરીબ પરિવારો આજે પણ અનાજ માટે સંઘર્ષ કરવા મજબૂર બન્યા છે.
અગાઉ 37.61 લાખ ગરીબ પરિવારોને મફત અનાજ વિતરણ કરીને સરકારે વાહવાહી મેળવી હતી, પરંતુ હવે કાગળ પર ગરીબી મુક્ત અને સમૃદ્ધ રાજ્યનું ચિત્ર ઊભું કરવા માટે આ કાર્ડ રદ કરવાની કામગીરી તેજ બનાવાઈ છે. ગરીબ પરિવારોના મોંમાંથી કોળિયો છીનવીને વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ગુજરાતમાં 33 હજાર અંત્યોદય કાર્ડ રદ
ગુજરાતમાં સરકારી ચોપડે ગરીબી ઘટાડવા છેલ્લા 5 વર્ષમાં 33,000 અંત્યોદય કાર્ડ રદ કરાયા છે. 2020 માં 8.10 લાખ કાર્ડ હતા જે ઘટીને 7.77 લાખ થયા છે. આજે પણ રાજ્યના 7 લાખથી વધુ પરિવારો બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે અતિ વંચિતો પાસેથી મફત અનાજનો હક છીનવાઈ રહ્યો છે.