Loading Please Wait !!!
રાજકોટના પૂર્વ મેયર જનક કોટકનું 80મા જન્મદિવસે સન્માન

સળંગ 7 ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાવાનો જનક કોટકનો અનોખો રેકોર્ડ

મેયર નેહલ શુક્લ અને ભાજપ પ્રમુખ માધવ દવેએ નિવાસસ્થાને જઈ શુભેચ્છા પાઠવી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને જનસંઘ સમયના પાયાના નેતા જનક કોટક ૬ જૂન ૨૦૨૬ ના રોજ ૮૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ સીમાચિહ્નરૂપ ૮૦મા જન્મદિવસના અવસરે, રાજકોટના વર્તમાન મેયર ડો. નેહલ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ તેમના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત માત્ર એક ઔપચારિકતા ન રહેતા, પક્ષના જૂના જોગીઓ પ્રત્યેના આદર અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ બની રહી હતી. પદાધિકારીઓએ તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

આ અવસરે પદાધિકારીઓએ જનક કોટકને શાલ અને સૂતરની આંટી પહેરાવીને મહાનગરપાલિકા વતી વિશેષ સન્માન કર્યું હતું. મેયર નેહલ શુક્લએ રાજકોટના વિકાસમાં પૂર્વ મેયરના અમૂલ્ય યોગદાનને યાદ કરી “શતમ જીવ શરદઃ” (૧૦૦ વર્ષના થાઓ)ની ભાવના સાથે તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. મેયરે વિશેષ રીતે ઉલ્લેખ કર્યો હતો કે જનક કોટક જેવા વરિષ્ઠ નેતાઓSearchના માર્ગદર્શનમાં જ આજે રાજકોટ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે જૂના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, જે રીતે જનસંઘના કપરા કાળમાં પક્ષને મજબૂત બનાવવામાં તેમણે યોગદાન આપ્યું હતું, તે આજના કાર્યકર્તાઓ માટે એક દીવાદાંડી સમાન છે.

જનક કોટક રાજકોટના રાજકારણમાં અને જનસંઘના સમયથી પાયાના પથ્થર સમાન રહ્યા છે. તેઓ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સળંગ ૭ ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવવાનો એક અનોખો અને વિરલ રેકોર્ડ ધરાવે છે. આ સિદ્ધિ તેમની જનસેવા પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને પ્રજા સાથેના ગાઢ સંપર્કને દર્શાવે છે. મેયર તરીકેની જવાબદારી નિભાવતી વખતે તેમણે જે ગરિમા અને કુનેહ દાખવી હતી, તેણે શહેરના માળખાકીય વિકાસમાં પોતાનો સિંહફાળો આપ્યો છે. તેમના આ વિશાળ અનુભવ અને રાજકીય સૂઝબૂઝને કારણે જ આજે પણ તેઓ શહેરના રાજકીય વર્તુળોમાં એક આદરણીય સ્થાન ધરાવે છે. તેમના જીવનના આ ૮૦મા વર્ષમાં પક્ષના તમામ આગેવાનોએ તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે હાર્દિક પ્રાર્થના કરી હતી.