Loading Please Wait !!!
પર્યાવરણ દિવસને રાજકોટ રેલવે ડિવિઝનમાં 80 સ્થળે વૃક્ષારોપણ

15 મેથી ચાલતા પર્યાવરણ અભિયાનનું RDSA ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ અને ઈનામ વિતરણ સાથે સમાપન

સિટી ન્યૂઝ@રાજકોટ

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૬ નિમિત્તે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ૧૫ મે થી ૫ જૂન સુધી ચલાવવામાં આવેલા વિશેષ પર્યાવરણ સંરક્ષણ અભિયાનનું આજે RDSA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય વૃક્ષારોપણ અને પુરસ્કાર વિતરણ સમારોહ સાથે સમાપન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ૩ અઠવાડિયાના અભિયાન દરમિયાન ડિવિઝનમાં કુલ ૮૦ થી વધુ સ્થળોએ વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ ઉપસ્થિત તમામને પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. ત્યારબાદ સિનિયર DME મેઘરાજ તાતેડે ૩ અઠવાડિયા સુધી ચાલેલા સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાનની સિદ્ધિઓની વિગતો રજૂ કરી હતી. સિનિયર DPO અમૃત સોલંકીની ઉપસ્થિતમાં યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહમાં ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓ તથા પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર રેલવે કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.

રાજકોટ ડિવિઝનના વૃક્ષારોપણ અભિયાનમાં નિરંતર સહયોગ આપી છોડ પૂરા પાડવા બદલ ‘સદ્ભાવના વૃદ્ધાશ્રમ’ સંસ્થાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે પર્યાવરણ અને જળ સંરક્ષણ વિષય પર ચિત્રકલા પ્રદર્શન અને હસ્તાક્ષર અભિયાન યોજાયું હતું. જેમાં ઉપસ્થિત તમામ લોકોએ ઓછામાં ઓછા ૧૦૦ રોપા વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો. આ સમારોહ દરમિયાન RDSA ગ્રાઉન્ડમાં ૨૫ થી વધુ રોપા વાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોચિંગ એન્ડ વેગન ડેપો દ્વારા બાયો-ટોયલેટની જાળવણી અને તેના સાચા ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવતી એક શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ADRM બ્રિજેશ કુમાર સિંહ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.