રઘુવંશી સમાજની અંદરખાને ચાલતી નારાજગીનો આવ્યો અંત
=> દક્ષાબહેન વસાણી બન્યા ડેપ્યુટી મેયર રાજકોટ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામોની જાહેરાત સાથે જ સ્થાનિક રાજકારણમાં ચાલી રહેલી મોટી અટકળોનો અંત આવ્યો છે, જેમાં ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર ૦૬ ના મહિલા કોર્પોરેટર અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રીમતી દક્ષાબહેન વસાણીની વરણી કરવામાં આવી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકાની ચૂંટણીમાં રઘુવંશી સમાજને માત્ર ત્રણ જ ટિકિટ મળતા સમાજના આંતરિક વર્તુળોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. આ અસંતોષના પગલે રઘુવંશી સમાજ દ્વારા પૂરતો વિરોધ નોંધવામાં આવ્યો હતો તેમજ 'રઘુવંશી સ્વાભિમાન સંમેલન' યોજીને જાહેરમાં વિરોધ પ્રદર્શન તો કરાયું જ હતું, પરંતુ તેની સાથે-સાથે ડેપ્યુટી મેયર પદ મેળવવા માટે રઘુવંશી સમાજના વડીલોએ અને સંગઠનના યુવાનોએ ભાજપ સંગઠનના મોવડી મંડળ સમક્ષ અંદરખાને પણ રજૂઆતો કરાઈ હતી. આ આંતરિક અને રાજકીય માંગણીઓને આખરે ભાજપ હાઈકમાન્ડે સ્વીકારી લીધી છે અને દક્ષાબહેનની નિમણૂક કરીને રઘુવંશી સમાજને રાજકીય રીતે સાચવી લીધો છે. આ વરણીથી રઘુવંશી સમાજ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ અને શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ ના સંસ્થાપક કે.ડી. રઘુવંશી તથા પ્રભારી કુલદીપ રઘુવંશી સહિતના આગેવાનોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે અને તેમણે દક્ષાબહેનને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી છે.