Loading Please Wait !!!
રેલ્વેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી: વડોદરાના ૪ યુવકો સાથે ૧૦.૨૪ લાખ રૂપિયાની ઠગાઈ!

 

  • અલંકાર હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવક સાથે આરોપીની ઓળખાણ થઈ હતી.

  • વિવિધ તારીખોએ કુલ ૧૦.૨૪ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

  • પ્રતાપનગર રેલ્વે હોસ્પિટલના નામે નકલી મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરા, વડોદરામાં રેલ્વેમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ચાર યુવકો પાસેથી કુલ ૧૦.૨૪ લાખ રૂપિયાની ઠગાઈ આચરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપીએ પોતે વેસ્ટર્ન રેલ્વેમાં નોકરી કરતો હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો અને નકલી જોડાણ પત્ર તેમજ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ આપ્યું હતું. લાંબા સમય સુધી નોકરી ન મળતાં અને રૂપિયા પણ પરત ન મળતાં આખરે પીડિતોએ પોલીસનો સહારો લીધો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અલંકાર હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મોહમદ સાયન આરિફભાઈ શેખની મુલાકાત ભરૂચના મોહમદ જકવાન યુસુફ દેલાવાલા સાથે થઈ હતી, જેણે રેલ્વેમાં સીધી નોકરી અપાવવાની ખાતરી આપી હતી.

આરોપીએ વિવિધ તારીખોએ ઓનલાઈન હપ્તાવાર નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને નોકરીની પ્રક્રિયા ચાલુ હોવાનું કહી સમય પસાર કર્યો હતો. ફરિયાદી ઉપરાંત તેના અન્ય ત્રણ મિત્રો પાસેથી પણ નોકરીના બહાને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા, જેમાં વારિશઅલી અકબરઅલી બાલીસાનાથી ૩ લાખ, જમીયા મુસ્તાકમિયા મીર પાસેથી ૨.૨૦ લાખ અને મોહમદ ઝુબેર મેહમુદમિયા શેખ પાસેથી ૩.૦૯ લાખ મેળવી કુલ ૧૦.૨૪ લાખની ઠગાઈ કરાઈ હોવાનું ખુલ્યું છે. પીડિતોને શંકા ન જાય તે માટે પ્રતાપનગર રેલ્વે હોસ્પિટલનું નકલી મેડિકલ સર્ટિફિકેટ પણ અપાયું હતું. સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને બેંક સ્ટેટમેન્ટ અને દસ્તાવેજોના આધારે સઘન તપાસ શરૂ કરી છે.