Loading Please Wait !!!
15 હજારના પગારથી કંટાળી રાજકોટ સિવિલના ડ્રાઇવરોના રાજીનામાં!

 

  • માત્ર 1 ડ્રાઇવરના સહારે ચાલતી રાજકોટ સિવિલ હોસ્પિટલ!

  • લાંબી ડ્યુટી અને અલ્પ વેતનથી ડ્રાઇવરોનો સામૂહિક વિરોધ!

  • એમ્બ્યુલન્સ અને વાહન વ્યવસ્થા ખોરવાતા દર્દીઓની મુશ્કેલી વધી!

સિટી ન્યુઝ @ રાજકોટ 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પગાર વધારા સહિતની પડતર માંગણીઓને લઈને વાહનચાલકો દ્વારા સામૂહિક રાજીનામાં સોંપવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. ડ્રાઇવરોના આ વિરોધને કારણે હોસ્પિટલની વાહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને હાલ માત્ર 1 જ કર્મચારીના સહારે દર્દીઓની આવશ્યક સેવાઓ ચાલુ રાખવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડ્રાઇવરોને માસિક માત્ર ₹15,035 જેટલો જ પગાર મળે છે. બીજી તરફ ગંભીર દર્દીઓને અમદાવાદ રિફર કરવા માટે 11 થી 12 કલાક જેટલો લાંબો સમય લાગે છે. આટલી લાંબી ડ્યુટી અને ઓછા વળતરને કારણે ડ્રાઇવરો દ્વારા લાંબા સમયથી પગાર વધારાની માંગ કરવામાં આવી રહી હતી.

હોસ્પિટલમાં કુલ 4 વાહનો કાર્યરત છે, જેમાં 3 તૂફાન ગાડીઓ અને 1 છોટા હાથીનો સમાવેશ થાય છે. આ વાહનો દ્વારા ગંભીર દર્દીઓને રિફર કરવા, મૃતદેહોનું પરિવહન, બ્લડ બેંક સંબંધિત સેવાઓ તેમજ કોન્વોય અને પ્રોટોકોલ ડ્યુટી જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરી સંભાળવામાં આવે છે.

હોસ્પિટલમાં કુલ 9 ડ્રાઇવરોની વ્યવસ્થા હોવા છતાં સામૂહિક રાજીનામાના કારણે વાહન વ્યવસ્થાપન સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ડ્રાઇવરોની આ અછત વચ્ચે ફરજ પર હાજર 1માત્ર કર્મચારી સવારથી સાંજ સુધી સતત કામગીરી સંભાળીને દર્દીઓને હાલાકી ન પડે તેવા પ્રયાસ કરી રહ્યા છે.

આટલી સંવેદનશીલ આરોગ્ય સેવાઓમાં પૂરતા ડ્રાઇવરોની ઉપલબ્ધતા અનિવાર્ય છે. હવે એ જોવું રહ્યું કે તંત્ર દ્વારા ડ્રાઇવરોની પગાર વધારાની માંગણી અંગે વહેલી તકે શું નિર્ણય લેવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલની વાહન વ્યવસ્થા ફરી ક્યારે રાબેતા મુજબ કાર્યરત બને છે.

ઓછા પગારે લાંબી ડ્યુટી: સિવિલના ડ્રાઇવરોની વેદના કેમ અદ્રશ્ય?

મહામારી અને કટોકટીના સમયમાં દર્દીઓની સેવામાં રાત-દિવસ એક કરતા ડ્રાઇવરોને માંડ 15 હજાર જેવો મામૂલી પગાર આપવો એ તંત્રની ઉદાસીનતા સાબિત કરે છે. 11-12 કલાક સુધી વાહન હંકારીને દર્દીઓને બીજા શહેરોમાં પહોંચાડતા આ કર્મચારીઓ જ્યારે આર્થિક શોષણથી કંટાળીને રાજીનામાં આપે, ત્યારે સવાલ એ થાય કે શું સરકાર સામાન્ય કર્મચારીઓના પરિવારની ચિંતા કરવા તૈયાર નથી? માત્ર 1 કર્મચારીના ભરોસે હોસ્પિટલ ચલાવવી એ ગમે ત્યારે મોટી હોનારતને આમંત્રણ આપી શકે છે.