Loading Please Wait !!!
₹38 લાખની ઓનલાઈન છેતરપિંડીમાં ફરાર આરોપી ઝડપાયો: રાજકોટ રેન્જ ટીમની મોટી કાર્યવાહી

 

  • રાજકોટ રેન્જ ટીમે ચોક્કસ બાતમી આધારે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પાસેથી દબોચ્યો

  • વઢવાણના મોટાપીર ચોક વિસ્તારના રહેવાસી સૈફ વડદરીયા સામે અગાઉ નોંધાયો હતો ગુનો

  • સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝનમાં BNS ની વિવિધ ગંભીર કલમો હેઠળ નોંધાયો હતો કેસ

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં ₹38 લાખની જંગી રકમની ઓનલાઈન છેતરપિંડી આચરી છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. રાજકોટ રેન્જ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી સૈફ રફીકભાઈ વડદરીયાને સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર આવેલા મેલડી માતાજીના મંદિર નજીકથી રંગેહાથ દબોચી લીધો હતો.

પકડાયેલો આરોપી સૈફ વડદરીયા મૂળ વઢવાણના નશિયાણીની પોળ, મોટાપીર ચોક વિસ્તારનો રહેવાસી છે. આરોપી વિરુદ્ધ અગાઉ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નિર્દોષ નાગરિક સાથે ₹38 લાખની ઓનલાઈન ઠગાઈ કરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. ગુનો દાખલ થયા બાદ ધરપકડથી બચવા માટે આરોપી છેલ્લા દોઢ વર્ષથી સતત પોતાના રહેઠાણ અને ઓળખ બદલીને નાસતો ફરતો હતો.

રાજકોટ રેન્જ ટીમને મળેલી ચોક્કસ અને વિશ્વસનીય હકીકતના આધારે તાત્કાલિક છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટીમ દ્વારા સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 317(2), 317(4), 318(4) અને 54 હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ સૈફ રફીકભાઈ વડદરીયાને સ્થળ પરથી ઝડપી લેવાયો હતો.

ધરપકડ કરાયેલા આરોપી પાસેથી આ ઓનલાઈન છેતરપિંડીના નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ કૌભાંડમાં તેની સાથે અન્ય કયા સાગરીતો જોડાયેલા છે તે દિશામાં પ્રાથમિક પૂછપરછ હાથ ધરાઈ હતી. આ સમગ્ર નેટવર્ક પાછળ અન્ય કોઈ આંતરરાજ્ય ગેંગ કાર્યરત છે કે કેમ તે અંગે પણ ઝીણવટભરી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

રાજકોટ રેન્જ ટીમે ઝડપાયેલા આરોપી સૈફ વડદરીયાનો કબજો મેળવી વધુ ઊંડાણપૂર્વકની તપાસ અને રિમાન્ડ મેળવવાની કાયદેસરની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડનો આરોપી પકડાયો

સુરેન્દ્રનગરમાં ₹38 લાખની ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી સૈફ વડદરીયાને રાજકોટ રેન્જ ટીમે રિવરફ્રન્ટ પાસેથી ઝડપી લીધો છે. વઢવાણનો રહેવાસી આ આરોપી BNS ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે આગળની કાર્યવાહી માટે આરોપીને સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.