Loading Please Wait !!!
રાજકોટમાં ધર્મયુદ્ધ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દ્રોણ ઈલેવન વિજેતા


» કાલાવડ રોડ પર મહાભારતની થીમ આધારિત 8 ટીમો વચ્ચે જંગ જામ્યો

» વિજેતા દ્રોણ ઈલેવન ટીમને 75000 રૂપિયાનું આકર્ષક ઈનામ અપાયું

» યુવાનોને વ્યસન અને મોબાઈલથી દૂર રાખવા આંતરરાષ્ટ્રીય સ્તરનું આયોજન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના કાલાવડ રોડ સ્થિત ઈન્ફિનિટી સ્પોર્ટ્સ ક્લબ ખાતે 'ધર્મયુદ્ધ સૌરાષ્ટ્ર' દ્વારા મહાભારતની થીમ આધારિત ભવ્ય બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં દેશના અન્ય રાજ્યોના નામાંકિત ખેલાડીઓ સહિત કુલ ૮ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોમાંચક મુકાબલાના અંતે દ્રોણ ઈલેવનની ટીમ વિજેતા બની હતી, જેને ૭૫૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.

આ ટૂર્નામેન્ટનું સફળ આયોજન વિક્રમ બોરીચા, આદિત્ય કુંગા અને વિશ્વજીત જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટને 'ધર્મયુદ્ધ' નામ આપવા પાછળનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં ધર્મ પ્રત્યે આસ્થા અને સંસ્કારનું સિંચન કરવાનો હતો. વેસ્ટર્ન કલ્ચર અને મોબાઈલના વળગણ વચ્ચે યુવાનો પોતાના ઈતિહાસમાંથી પ્રેરણા લે અને શારીરિક સ્વાસ્થ્ય માટે રમતગમત તરફ વળે તેવા ઉમદા હેતુથી આ સ્પર્ધા યોજાઈ હતી.

મેદાન પર કોમેન્ટ્રી, મ્યુઝિક સિસ્ટમ અને અન્ય તમામ વ્યવસ્થાઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જેવી જ રાખવામાં આવી હતી, જેથી ખેલાડીઓ અને દર્શકોને વર્લ્ડ કપ જેવો વિશેષ અનુભવ મળ્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ પણ કરાયું હતું. દરરોજ અંદાજે ૩૦૦ જેટલા દર્શકોએ મેદાનમાં હાજર રહીને મેચનો રોમાંચ માણ્યો હતો. રમતગમતને પ્રોત્સાહન આપતા આ અનોખા આયોજનને રમતપ્રેમીઓ અને શહેરીજનો તરફથી ભારે પ્રશંસા મળી રહી છે.