રૈયા ગામનો 80 ફૂટનો રોડ 150 ફૂટનો કરવા 70 મકાનોના ભાગ તોડી પડાશે
- ટીપી શાખા દ્વારા નોટીસો ઈશ્યુ કરવામાં આવતા જ મકાનમાલિકો દ્વારા વળતર માટેની રજુઆતો કરાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ : ચૂંટણી આચારસંહિતા પૂરી થતા મહાપાલિકા દ્વારા ધીમે ધીમે ઓપરેશન ડિમોલીશન શરૂ થયા છે. તો હવે નજીકના ભવિષ્યમાં કરવાના ડિમોલીશન અંગે નોટીસ સહિતની કાર્યવાહી પણ આગળ વધારવામાં આવી છે.તેના ભાગરૂપે રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધીના રોડને પહોળો કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ રોડ 150 ફુટનો બનાવવાનું આયોજન મહાપાલિકાની ટીપી શાખાએ હાથ ધર્યુ છે. રાજકોટ મહાપાલિકાની ટીપી શાખા દ્વારા રૈયા ગામથી સ્માર્ટ સિટી એરિયા સુધીનો રોડ પહોળો કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત 60થી 70 જેટલી રહેણાંક મકાનો સહિતની અનેક મિલકતો કપાતમાં જતી હોય તાજેતરમાં ડિમાર્કેશન અને નોટિસોની બજવણી સહિતની પ્રક્રિયા શરૂ કરાતા કપાતના અસરગ્રસ્તોમાં દેકારો બોલી ગયો હોવાનું જાણવા મળે છે.
આ રોડ રૈયા ગામથી સીધો સ્માર્ટ સીટીને ટચ કરે છે. પરંતુ ત્યાં મુળ ગામ વખતના અનેક બાંધકામો રહેલા છે. તેમાંથી ઘણા મકાનોના ફળીયા, દિવાલ સહિતના ભાગ રોડના નકશામાં આવે છે. આ રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધી જતો રોડ હાલ 80 ફુટ પહોળાઈનો છે, તેની બન્ને બાજુ કપાત કરી 150 ફૂટ પહોળાઈનો કરવા માટે 70 ફૂટ મતલબ કે બન્ને બાજુ અંદાજે સરેરાશ 35-35 ફૂટ જેટલી કપાત આવી શકે છે.
રૈયા ગામ સુધીના વિસ્તારમાં 60થી વધુ મિલકતો કપાતમાં આવે છે અને ગામથી આગળના વિસ્તારમાં સરકારી જમીનો આવે છે જે સંપાદિત દરમિયાન તાજેતરમાં આ અંગેની નોટિસોની બજવણી તેમજ ડિમાર્કેશન કરવામાં આવતા કપાતના અસરગ્રસ્તોમાંથી વળતરની માંગ ઉઠી છે.