Loading Please Wait !!!
રાજકોટ દિવ્ય દરબાર વિવાદ : બાબા સામે આક્રોશ અને કાયદાકીય માંગ

  • વિજ્ઞાન જાથા અને સામાજિક અગ્રણી દ્વારા કડક કાર્યવાહીની માંગ

સિટી ન્યૂઝ@રાજકોટ રેસકોર્સ મેદાનમાં યોજાયેલા બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર બાદ રાજકોટમાં ભારે વિવાદ સર્જાયો છે. કથાના છેલ્લા દિવસે માનસિક રીતે બીમાર લોકોને એકત્ર કરી તેમની સાથે કરાયેલી અવૈજ્ઞાનિક સારવાર અને પ્રેત આત્માના નામે કરવામાં આવેલા ધર્ટિંગ સામે ભારત જન વિજ્ઞાન જાથા અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ મોરચો માંડ્યો છે. આ આખી ઘટનાને માત્ર સંયોગ નહીં, પરંતુ એક પૂર્વ નિયોજિત અને પ્લાન્ટેડ ઢોંગ ગણાવીને બાબા સામે સુઓમોટો ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. વિરોધ કરનારાઓનું માનવું છે કે, આસ્થાના નામે જે રીતે ભોળી જનતાની મજબૂરીનો લાભ લેવામાં આવ્યો છે, તે સમાજ અને માનવતા માટે ખતરાની ઘંટડી સમાન છે.

  • અંધશ્રદ્ધાના ઓથા હેઠળ માનસિક દર્દીઓના શોષણ: જયંત પંડ્યા

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે હનુમંત કથાના બે દિવસ ભગવાનના ગુણાનુવાદ કરવાને બદલે અશાંતિ ફેલાવનારા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા હતા. કથાના સમાપને માનસિક દર્દીઓને હનુમાન ચાલીસા બોલાવી જે રીતે ઉપચાર કરવામાં આવ્યો, તે માનવ જીવન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથેનું ગંભીર ખિલવાડ છે. મેડિકલ સારવાર લેવાને બદલે માત્ર ધાર્મિક મંત્રોના બળે રોગ મટી જશે તેવી ભ્રામક સલાહ આપીને દર્દીઓને લાંબા ગાળાના નુકસાન તરફ ધકેલવામાં આવ્યા છે. આ માટે બાબા અને આયોજકો સામે ગુજરાત માનવ બલિ અને અન્ય અમાનવીય અનિષ્ટ પ્રથા તથા કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવાના ૨૦૨૪ના અધિનિયમ હેઠળ ગુનો નોંધવા મુખ્યમંત્રી અને પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. કથાના આયોજકો પર જાહેરમાં આના ભંગનો પણ આરોપ છે, કારણ કે રાત્રિના ૧૦ વાગ્યા પછી માઈક વગાડવાની સ્પષ્ટ મનાઈ હોવા છતાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું. વિજ્ઞાન જાથાએ જણાવ્યું કે હજારોની મેદનીને પ્રલોભન આપીને માત્ર ૨૦ થી ૨૫ લોકોને દરબારમાં બોલાવીને ભોળા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. દરેક શ્રદ્ધાળુ પાસેથી શ્રીફળ નામે ૫૦ રૂપિયા જેવો આર્થિક ખર્ચ કરાવીને આસ્થાના નામે મોટું વેપાર કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. આવા કૃત્યો માત્ર ભ્રમ જ નથી ફેલાવતા, પરંતુ સમાજમાં વૈમનસ્ય પણ પેદા કરે છે, જે લોકશાહી અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા દેશ માટે અત્યંત ચિંતાજનક છે.

  • સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાનો બાબાને ખુલ્લો પડકાર
  • પીપળીયાએ કહ્યું-ડાકિની, પિયાશીનીને ધુણાવી લોકો પર હુમલો કરાવ્યો, બાબા સામે પોલીસ સુઓમોટો કરે

સૌરાષ્ટ્રના અગ્રણી પરસોત્તમ પીપળીયાએ રાજકોટમાં યોજાયેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો સખત વિરોધ કર્યો છે. કથાના અંતે જાહેરમાં લોકોને ધુણાવવાની ઘટનાને તેમણે પૂર્વનિયોજિત ઢોંગ ગણાવી, બાબા સામે અંધશ્રદ્ધા બદલ 'સુઓમોટો' ગુનો દાખલ કરવાની માંગ કરી છે. પીપળીયાએ આક્ષેપ કર્યો છે કે દિવ્ય દરબારમાં પ્રેતના નામે ધૂણાતા લોકો દ્વારા પત્રકારો પર હુમલો કરાયો અને એક નિર્દોષ બાળકને ધુણાવીને તેની સાથે ખિલવાડ કરવામાં આવ્યો. તેમણે ડાકિની-પિયાશીનીના નામે થતા આ કૃત્યોને અંધશ્રદ્ધાનું વેપારીકરણ ગણાવી બાબા અને આયોજકોની ઝાટકણી કાઢી હતી. પરસોત્તમ પીપળીયાએ બાબાને પડકાર ફેંક્યો છે કે જે જો તેમનામાં તાકાત હોય તો તેઓ કોઈ પણ મીડિયા હાઉસમાં આવીને સામસામે ચર્ચા કરે. પીપળીયાના મતે આ કોઈ દિવ્ય દરબાર નથી, પરંતુ માત્ર પ્રેત દરબાર છે. મેડિકલ ડિગ્રી વિના રોગ મટાડવાની ખાતરી આપવી અને ચિઠ્ઠી દ્વારા ભવિષ્ય ભાખવું એ દૈવી ચમત્કાર નહીં, પણ જાદુગરીની સામાન્ય ટેકનિક છે. પીપળીયા જ્યારે વિરોધ કરવા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નિયમોના ઉલ્લંઘન અને બાળકના સ્વાસ્થ્ય સાથેના ચેડાં અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. આયોજકોની બેદરકારી અને અંધશ્રદ્ધા ફેલાવવા બદલ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ પ્રબળ બની છે.