Loading Please Wait !!!
રાજ્યની જેલમાં રહેલા 44 બંદીવાનો ધો.10-12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ

>> ધોરણ-10માં 22 અને ધોરણ-12માં 22 બંદીવાનો પાસ થતા પ્રમાણપત્રો એનાયત કરાયા : એક કેદીને કલાકાર બનવાનું સ્વપ્ન

સિટી ન્યૂઝ@રાજકોટ

જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ સામાન્ય રીતે અંધકાર, પસ્તાવો અને એકલતાની કલ્પના ઉભી થાય છે. પરંતુ  રાજ્યની જેલોમાં શિક્ષણ દ્વારા પુનવસનનું પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે.આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ ૪૪ બંદીવાનોએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે. જેમાં ધોરણ-૧૦માં ૨૨ અને ધોરણ-૧૨માં ૨૨ બંદીવાનો પાસ થયા છે. જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે બંદીવાનોના અંધકારમય જીવનમાં માટે શિક્ષણથી જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે. જેલ વિભાગ દ્વારા બંદીવાનોને પરીક્ષાના ફોર્મ ભરાવવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેલ પરિસરમાં જ બોર્ડએ પરીક્ષાના સેન્ટરની વ્યવસ્થા કરાતા બંદીવાનોને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. 

એક બંદીવાને પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું  કે,  "સજા મળ્યા બાદ લાગતું હતું કે જીવન સમાપ્ત થઈ ગયું છે. પરંતુ જેલમાં ચાલતા રેડિયો પ્રીઝન, વેલ્ફેર ઓફિસ અને જેલ અધિકારીઓ દ્વારા મળેલી પ્રેરણાએ તેને ફરી અભ્યાસ તરફ વાળ્યો. આજે પરીક્ષામાં સફળતા મળતાં તેને વર્ષો બાદ ફરી જીવતો હોવાનો અહેસાસ થયો છે.ધોરણ-૧૨માં પાસ થયેલા એક બંદીવાને જણાવ્યું હતું કે, જેલમાં હોવા છતાં તેના સપનાઓ જીવંત છે. તે અઠવાડિયામાં બે દિવસ સંગીતના ક્લાસમાં ભાગ લે છે અને બહાર જઈને ગાયક બનવાની ઇચ્છા ધરાવે છે.

=> આર્થિક ભીંસમાં અભ્યાસ છોડનાર કેદીએ જેલમાં અભ્યાસ શરૂ કરી પાસ થયો 

અન્ય એક બંદીવાને જણાવ્યું હતું કે, પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે તેનો અભ્યાસ અધવચ્ચે છૂટી ગયો હતો અને સજા બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરંતુ જેલ અધિકારીઓના કાઉન્સેલિંગ અને પ્રોત્સાહનથી તેણે ફરી ભણવાનું શરૂ કર્યું અને આજે પરીક્ષામાં સફળતા મેળવી છે.

=> જેલમાં કેદીઓ માટે લાયબ્રેરી ઉભી કરાઈ 

જેલ પ્રશાસન દ્વારા બંદીવાનો માટે આધુનિક લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પુસ્તકો ઉપરાંત ઓડિયો બુકની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પુસ્તકો બંદીવાનોના જીવનમાં સકારાત્મક વિચારસરણી અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મદદરૂપ બની રહ્યા છે.

=> જેલમાં નિયમિતલેક્ચરનું આયોજન 

જેલ વિભાગ દ્વારા નિયમિત રીતે વિશેષ લેક્ચર્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં શાળા-કોલેજના શિક્ષકો અને વિષય નિષ્ણાતો જેલની અંદર આવીને બંદીવાનોને માર્ગદર્શન આપે છે.આ ૪૪ બંદીવાનોની સફળતા માત્ર પરીક્ષાનું પરિણામ નથી, પરંતુ જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવતા શિક્ષણનું જીવંત ઉદાહરણ છે. જેલ પ્રશાસનનો આ પ્રયાસ સમાજને પુનવસનનો એક સંવેદનશીલ અને હૃદયસ્પર્શી માર્ગ બતાવે છે.