રાજકોટ-જેતપુર હાઈવે મુદ્દે કોંગ્રેસે NHAIને આપ્યું અલ્ટીમેટમ
- ચોમાસા પૂર્વે જોખમી પોઈન્ટોના સમારકામ અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માંગ
- ચોમાસા પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરી, સમારકામ, ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફ્ટીના પગલાં ભરવા માંગણી : 10થી 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ધરણાંની ચેતવણી
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટજેતપુર નિર્માણાધીન સિક્સલેન હાઈવે પર ચોમાસા દરમિયાન સર્જાતી ટ્રાફિક, માર્ગ સલામતી અને સુવિધા સંબંધિત સમસ્યાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના પ્રોજેક્ટ ડાયરેક્ટરને વિસ્તૃત રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે રાજકોટજેતપુર હાઈવે સમગ્ર સૌરાષ્ટ્ર માટે મહત્વનો ધોરી માર્ગ છે, જેના પર દરરોજ હજારો વાહનો, માલવહન, ઔદ્યોગિક એકમો તેમજ સામાન્ય નાગરિકોની અવરજવર નિર્ભર છે. હાઈવેના નિર્માણ માટે આપવામાં આવેલી મૂળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધારાના બે વર્ષનો સમય આપવામાં આવ્યો હોવા છતાં કામગીરી હજુ અધૂરી હોવાથી વિકાસ અને પરિવહન વ્યવસ્થા પર અસર પડી રહી છે.
કોંગ્રેસે રજૂઆતમાં માંગ કરી હતી કે ગયા ચોમાસા દરમિયાન જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી તે તમામ સ્થળોની ઓળખ કરી તેના કારણોનું ટેકનિકલ મૂલ્યાંકન કરવામાં આવે અને ચોમાસા પૂર્વે જરૂરી ઉકેલ અમલમાં મૂકવામાં આવે. ઉપરાંત સર્વિસ રોડનું લેવલિંગ, મજબૂતીકરણ, ખાડા પુરવા, પાણી નિકાલની વ્યવસ્થા અને જરૂરી સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.
રજૂઆતમાં જણાવાયું હતું કે હાઈવે પર અનેક સ્થળોએ ખાડા, ધૂળ, વરસાદી પાણી ભરાવા, અવ્યવસ્થિત ડાયવર્ઝન અને અધૂરા ડ્રેનેજ કામોના કારણે વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે. આ તમામ ખામીઓ દૂર કરવા માટે NHAI દ્વારા કોન્ટ્રાક્ટરોને કડક સૂચનાઓ આપવા માંગ કરવામાં આવી હતી.
પ્રિ-મોન્સૂન કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે હાઈવેના વિવિધ વિભાગો માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી તેમની સીધી દેખરેખ હેઠળ કામગીરી પૂર્ણ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસે હાઈવે પર સર્જાતી સમસ્યાઓ અંગે વાહનચાલકો તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે તે માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન શરૂ કરવાની અને તેના નંબર હાઈવે પર જાહેર કરવાની રજૂઆત પણ કરી હતી.
માર્ગ સલામતીના મુદ્દે કોંગ્રેસે ડાયવર્ઝન અને બાંધકામ વિસ્તારોમાં રિફ્લેક્ટિવ સાઈનબોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, ચેતવણી સૂચનાઓ, બેરિકેડિંગ અને અન્ય જરૂરી રોડ સેફ્ટી સાધનો ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી. ઉપરાંત ગયા વર્ષે ટ્રાફિક જામથી પ્રભાવિત વિસ્તારોમાં જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન કરી કાયમી અથવા અસ્થાયી ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઊભા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ સૌરાષ્ટ્રનું મહત્વનું આરોગ્ય કેન્દ્ર હોવાથી ગંભીર દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને ટ્રાફિકમાં મુશ્કેલી ન પડે તે માટે વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી હતી.
કોંગ્રેસે બંને ટોલ પ્લાઝા પર NHAIના નિયમોનું કડક પાલન કરાવવા અને વાહનોની લાંબી કતારો સર્જાય ત્યારે નિયમ મુજબ ટોલ લેન ખુલ્લી મૂકવાની પણ માંગ કરી હતી.
પ્રતિનિધિમંડળે આગામી ૧૦થી ૧૫ દિવસમાં સમગ્ર પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરી તેનો જાહેર અહેવાલ પ્રસિદ્ધ કરવા માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો ચોમાસા દરમિયાન વાહનચાલકોને ફરીથી હાલાકીનો સામનો કરવો પડશે તો કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવેની રાજકોટ સ્થિત કચેરી ખાતે ધરણાં અને આંદોલન કરવામાં આવશે.
આ રજૂઆતમાં કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત, અમિત ચૌધરી, યશ ભીંડોરા, પ્રશિલ રાજદેવ, રૌનક રવૈયા અને યશ ઉનડકટ ઉપસ્થિત રહ્યા હતા.
રજૂઆતની નકલ જિલ્લા કલેક્ટર રાજકોટ, NHAIના ગુજરાત પ્રાદેશિક કાર્યાલય ગાંધીનગર, NHAIના મુખ્ય કાર્યાલય નવી દિલ્હી તેમજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું હતું.