Loading Please Wait !!!
રાજકોટ જિલ્લા પંચાયતમાં સુકાન સંભાળતા પીપળિયા અને ભાંલવા

=>  69 દિવસના વહીવટદાર શાસનનો અંત ટૂંક સમયમાં સમિતિઓની રચના માટે સામાન્ય સભા બોલાવાશે: સમગ્ર સંકુલમાં ઉત્સવ જેવો માહોલ દેખાયો

સિટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં ૩૬ માંથી ૩૪ બેઠકો સાથે ભાજપનું શાસન આવતા આજે સુકાનીઓની ચૂંટણી યોજાયેલી. જેમાં ભાજપે પસંદ કરેલા પ્રમુખ પદના ઉમેદવાર સંજય પીપળીયા તથા ઉપપ્રમુખ પદના ઉમેદવાર સામંતભાઈ ભાંલવા ચૂંટાયા હતા. બંનેએ આજે વિધિવત સુકાન સંભાળ્યું છે. સમિતિઓની રચના માટે ટૂંક સમયમાં ફરી સામાન્ય સભા મળશે. ગઈકાલે પ્રમુખ પદ માટે સંજય પીપળીયાએ ફોર્મ ભરેલ તેની સામે આમ આદમી પાર્ટીના વિપુલભાઈ અને અપક્ષના જૈતાભાઈએ ઉમેદવારી કરેલ આજે ફોર્મ ખેંચવા સમયે ફોર્મ ન ખેંચતા સંજય પીપળીયા ચૂંટાઈ આવ્યા હતા. ઉપપ્રમુખ પદ માટે એક માત્ર સામંતભાઈની ઉમેદવારી હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા છે. જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ ચૂંટણી કરાવેલ તેમણે બંને સુકાનીઓને ચૂંટાયેલા જાહેર કર્યા છે. ૬૯ દિવસના વહીવટી શાસનનો અંત સાથે ચૂંટાયેલ પાંખનું શાસન ફરી શરૂ થયું છે.

નવા પ્રમુખ સંજયભાઈ પીપળીયા કુવાડવાથી ચૂંટાયા છે. તેઓ યુવા શિક્ષિત કોળી સમાજના છે. ઉપપ્રમુખ સામંતભાઈ માલધારી સમાજના છે. તેઓ ગોંડલના કોલીથડ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ અગાઉના પાંચ વર્ષ ભુપત બોદર અને પ્રવિણાબેન રંગાણી પ્રમુખ પદે રહ્યા બાદ સતત ત્રીજી વખત રાજકોટ તાલુકાને જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ મળ્યું છે. ગોંડલ તાલુકાને સતત બીજી વખત ઉપપ્રમુખ પદ મળ્યું છે. અન્ય પદાધિકારીઓના નામ હવે પછી જાહેર થશે. જિલ્લા પંચાયતમાં આજથી નવા શાસકોએ શાસન સંભાળતા હવે સમિતિઓની રચના માટે ટૂંક સમયમાં પ્રમુખ બેઠક બોલાવશે. જેમાં સમિતિઓ રચાયા બાદ જે તે સમિતિની બેઠકમાં સમિતિના અધ્યક્ષની ચૂંટણી થશે. આજે નવા પદાધિકારીઓનો ચાર્જ લેવા પ્રસંગે જિલ્લા પંચાયતમાં તેમના ટેકેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.