રાજકોટ ડિવિઝનનું લેવલ ક્રોસિંગ ફાટક જન-જાગૃતિ અભિયાન
237 લેવલ ક્રોસિંગ ફાટકો પર જાગૃતિ અભિયાન ચલાવીને હજારો લોકોને જાગૃત કરવામાં આવ્યા
સીટી ન્યૂઝ@રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ડિવિઝનલ રેલવે મેનેજર ગિરીરાજ કુમાર મીના, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ અને સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર આર. સી. મીનાના માર્ગદર્શન હેઠળ ૭ જૂનથી ૯ જૂન, ૨૦૨૬ દરમિયાન "આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ ફાટક જન-જાગૃતિ દિવસ" નિમિત્તે વ્યાપક જન-જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ડિવિઝનના તમામ લેવલ ક્રોસિંગ ફાટકો અને જાહેર સ્થળો પર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને સામાન્ય નાગરિકોને રેલવે સુરક્ષા નિયમો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.
અભિયાન દરમિયાન ૯ જૂન, ૨૦૨૬ના રોજ લેવલ ક્રોસિંગ ફાટક સંખ્યા-૧૩૦ (રાજકોટ-પઢધરી) તેમજ લેવલ ક્રોસિંગ ફાટક સંખ્યા-૦૪ અને ૦૮ (રાજકોટ-ભક્તિનગર) પર શેરી નાટકો (નુક્કડ નાટક) પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકોને લેવલ ક્રોસિંગ ફાટક પસાર કરતી વખતે રાખવામાં આવતી જરૂરી સાવચેતીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. લોકોને અપીલ કરવામાં આવી હતી કે લેવલ ક્રોસિંગ ફાટક પસાર કરતા પહેલા એ સુનિશ્ચિત કરી લે કે કોઈ ટ્રેન આવી રહી નથી, તેમજ બંધ ફાટકને ગેરકાયદેસર રીતે પસાર કરવાનો કે ફાટક ખોલવવાનો પ્રયાસ ન કરે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, બંધ લેવલ ક્રોસિંગ ફાટક પસાર કરવું એ રેલવે અધિનિયમ ૧૯૮૯ની કલમ ૧૪૬ અને ૧૬૦ અંતર્ગત શિક્ષાપાત્ર ગુનો છે. તેમણે જણાવ્યું કે સામાન્ય બેદરકારી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે, તેથી તમામ નાગરિકો રેલવે ફાટકને પૂરી સાવધાની સાથે પસાર કરે અને પોતાના જીવનની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપે.
અભિયાન દરમિયાન સામાન્ય જનતાને નીચેના મહત્વપૂર્ણ વિષયો પર ખાસ કરીને જાગૃત કરવામાં આવ્યા હતા.
-
રેલવે લાઈનને ગેરકાયદેસર રીતે ઓળંગશો નહીં અને હંમેશા રેલવે ઓવરબ્રિજ, સબવે અથવા ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરો.
-
ગાય, ભેંસ અને અન્ય પાલતુ પશુઓને રેલવે વિસ્તારમાં પ્રવેશવા ન દો.
-
રેલવે વિદ્યુતીકરણ વિસ્તારમાં (હાઈ વોલ્ટેજ લાઈન્સ) જરૂરી સુરક્ષા સાવચેતીઓનું પાલન કરો.
આ અભિયાનમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ સેફ્ટી ઓફિસર, સેફ્ટી કાઉન્સિલર (ટ્રાફિક), એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન, લોકો, ટ્રાફિક, ઇલેક્ટ્રિકલ, આરપીએફ (RPF) તેમજ સિવિલ ડિફેન્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. વિવિધ લેવલ ક્રોસિંગ ફાટકો, સ્ટેશન પરિસરો, બજાર વિસ્તારો અને જાહેર સ્થળો પર ટ્રક, ટ્રેક્ટર, બસ, વાન, સ્કૂટર અને સાઇકલ ચાલકોની સાથે-સાથે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પણ સુરક્ષા સંબંધી માહિતી આપવામાં આવી હતી.
અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનના ૨૩૭ લેવલ ક્રોસિંગ ફાટકો સહિત વિવિધ સ્થળો પર આશરે ૧૦,૦૦૦ જેટલા હિન્દી અને ગુજરાતી ભાષાના પેમ્ફલેટ્સ (માહિતી પત્રિકા) વિતરણ કરીને લોકોને રેલવે સુરક્ષા નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી હતી.