રાજકોટમાં મેડિકલ સ્ટાફ માટે પ્રથમવાર નાઈટ ક્રિકેટ લીગ
» 29 થી 31 મે દરમિયાન ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડમાં 12 ટીમો વચ્ચે જંગ
» વિજેતાને ૨૫,૫૫૫ રૂપિયા રોકડ, યુટ્યુબ પર લાઈવ પ્રસારણ થશે
સિટી ન્યૂઝ@રાજકોટ
દિવસ-રાત ઇમરજન્સી અને દર્દીઓની સેવામાં સતત વ્યસ્ત રહેતા ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને હળવાશ આપવા તેમજ તેમનામાં રમતગમતની ભાવના વધારવા રાજકોટમાં પ્રથમવાર એક અનોખી "HPL-૨૦૨૬ - Hospital Premier League" નું આયોજન કરાયું છે. મેડિકલ પ્રોફેશનના તણાવભર્યા માહોલમાંથી બહાર આવીને ખેલદિલી દર્શાવવાની આ તકને લઈને સમગ્ર આરોગ્ય જગતમાં અત્યારે ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. જામનગર રોડ સ્થિત નયનરમ્ય ગ્રીન ફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૯ થી ૩૧ મે દરમિયાન ફ્લડ લાઈટ્સના ઝગમગાટ વચ્ચે રોજ સાંજેથી રાત્રે ૧૨ વાગ્યા સુધી આ રોમાંચક નાઈટ ટૂર્નામેન્ટ રમાશે. જેમાં ૧૫,૦૦૦ રૂપિયાની એન્ટ્રી ફી સાથે કુલ ૧૨ ખ્યાતનામ હોસ્પિટલોની ટીમો ભાગ લેશે. મેદાન પર આવનાર ખેલાડીઓ અને તેમના સાથીઓ માટે અનલિમિટેડ ફૂડની સુવિધા રખાઈ છે, જેથી ત્યાં ક્રિકેટની સાથે એક ઉત્સવ જેવો માહોલ સર્જાશે. આ લીગમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે માટે માત્ર ખરાઈ કરેલા મેડિકલ સ્ટાફને જ રમવાની મંજૂરી આપવામાં આવી છે.
સ્પર્ધાને વધુ આકર્ષક બનાવવા વિજેતા ટીમને ૨૫,૫૫૫ અને રનર અપને ૧૮,૫૫૫ રૂપિયાનું માતબર રોકડ ઈનામ અપાશે. આ ઉપરાંત, મેદાન પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા "મેન ઓફ ધ મેચ" થી લઈને "મેન ઓફ ધ સિરીઝ", "બેસ્ટ બોલર" અને "બેસ્ટ બેટ્સમેન" જેવા વ્યક્તિગત એવોર્ડ્સ અને ગિફ્ટ અપાશે. જે ક્રિકેટ રસિકો અને મેડિકલ સ્ટાફના પરિવારજનો રૂબરૂ મેદાન પર પહોંચી શકે તેમ નથી, તેમના માટે સમગ્ર ટૂર્નામેન્ટનું યુટ્યુબ (YouTube) પર લાઈવ પ્રસારણ થશે. આ ડિજિટલ વ્યવસ્થાથી રાત્રિ પાળીમાં ફરજ બજાવતો સ્ટાફ પણ પોતાની હોસ્પિટલમાંથી મેચ નિહાળી શકશે.
આ પ્રસંગે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ધારાસભ્ય જયેશ રાદડિયા અને સંજય જોટંગીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પડદા પાછળ આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા કવિ જીજ્ઞેશ, કિશન વાણિયા સહિતની આયોજકોની ટીમ રાત-દિવસ ભારે જહેમત ઉઠાવી રહી છે. મેડિકલ જગતના આ પ્રશંસનીય પ્રયાસને બિરદાવવા ફ્લેક્સસ, બેક બોન સહિતની અનેક અગ્રણી હોસ્પિટલો અને સંસ્થાઓ આ લીગમાં સ્પોન્સર તરીકે હોંશેભેર જોડાઈ છે.
HPL-2026 નો કાંટાની ટક્કરનો મેચ શેડ્યૂલ
=> ૨૯ મે: પ્રથમ દિવસે પૂલ-A અને પૂલ-B ની ટીમો (ગિરીરાજ, વોકહાર્ટ, સદભાવના વગેરે) વચ્ચે ૫ લીગ મેચ રમાશે, જેમાં જોરદાર ટક્કર જોવા મળશે.
=> ૩૦ મે: બીજા દિવસે પૂલ-C અને પૂલ-D ની ખમતીધર ટીમો (બેકબોન, શિવ હોસ્પિટલ, ધ પટારો-૧૧ વગેરે) વચ્ચે કાંટાની ટક્કર થશે.
=> ૩૧ મે: અંતિમ દિવસે રાત્રે ૮:૩૦ અને ૧૦ વાગ્યે સેમિફાઇનલના રોમાંચક મુકાબલા યોજાશે. ત્યારબાદ રાત્રે ૧૧:૫૫ વાગ્યે ટૂર્નામેન્ટના ચેમ્પિયનનો તાજ પહેરાવવા ભવ્ય ફાઇનલ મેચ રમાશે.