Loading Please Wait !!!
28મીનાં રોજ મળશે રાજકોટને નવા મેયર?

=> મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી ફોર્મ ભરીને થશે

=> ઈદની જાહેર રજામાં જનરલ બોર્ડની બેઠક:રાજકોટમાં પદાધિકારીઓની વરણી થતાં વિકાસનાં કામો ઝડપી થશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મનપામાં તા. ૨૮મેનાં રોજ ઈદની જાહેર રજા હોવા છતાં જનરલ બોર્ડની ખાસ બેઠક યોજાશે, જેમાં શહેરના લોકોને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ મળશે, અને આ વરણી થતાં જ અટકેલા વિકાસકામો અત્યંત ઝડપી બનશે. આ મહત્વપૂર્ણ બેઠક માટે મ્યુનિસિપલ કમિશનરના હુકમથી ઇન્ચાર્જ મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા પરિપત્ર જાહેર કરીને તમામ સભ્યોને સમયસર હાજર રહેવા સત્તાવાર જાણ કરવામાં આવી છે. રાજકોટ શહેરના પ્રજાલક્ષી કાર્યો અને વહીવટી પ્રક્રિયાને વેગ આપવા રજાના દિવસે પણ આ ખાસ બોર્ડ બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે.

રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા ગત એપ્રિલ મહિનાની ૨૮ તારીખે પરિણામો સાથે પૂર્ણ થઈ ગઈ હતી, અને તેના બરોબર ૧ મહિના બાદ આ વરણીનો માર્ગ મોકળો થયો છે. ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાત ગોઠવાયેલી હોય રાજ્ય સરકારના મંત્રીઓ અને પ્રદેશના અગ્રણી નેતાઓ તેમાં વ્યસ્ત રહ્યા હતા, જેના કારણે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સમયસર મળી શકી નહોતી. જોકે લાંબી આંતરિક ચર્ચાઓ બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડક સહિતના મુખ્ય ૫ પદાધિકારીઓના નામની પસંદગીની પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજકોટ વિધાનસભાની ચારેય બેઠકોના સમીકરણો અને જે તે વોર્ડના વિજેતા ઉમેદવારોની લાયકાત ધ્યાને લઈ આ નામો નક્કી કરાયા છે.

આગામી ૨૮ તારીખે પ્રદેશ કક્ષાએથી બંધ કવરમાં પસંદ કરાયેલા સક્ષમ પદાધિકારીઓના નામની યાદી શહેર સંગઠનના પ્રમુખને મોકલવામાં આવશે અને તેઓ સંકલનની બેઠકમાં આ નામોની સત્તાવાર જાહેરાત કરશે. ત્યારબાદ જનરલ બોર્ડની ખાસ બેઠકમાં વહીવટી વડા દ્વારા પદાધિકારીઓના નામની જાહેરાત કરીને તેનો વિધિવત ઠરાવ કરવામાં આવશે. આ ખાસ બોર્ડ બેઠકના એજન્ડા પર મુખ્ય ૩ વહીવટી અને બંધારણીય પ્રક્રિયા હાથ ધરાશે.

જેમાં સૌપ્રથમ મહાનગરપાલિકાનાં મેયરની ચૂંટણી કરવામાં આવશે. ત્યારબાદ, ડેપ્યુટી મેયરની અને બાદમાં મહાપાલિકાની આર્થિક ધરી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક કરવામાં આવશે.

રાજકોટના લોકો ૧ મહિનાથી નવા લોકપ્રતિનિધિઓની વરણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઉનાળાની આ સીઝનમાં પાણી, સફાઈ, રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓને લગતા અનેક પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે નવી પાંખ કાર્યરત બને તે અત્યંત જરૂરી છે. અગાઉ વર્ષ ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પણ મહાનગરપાલિકામાં પરિણામોના ૧૮ દિવસ પછી પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે રાજકીય અને વહીવટી અનિવાર્યતાના કારણે મતગણતરીના બરાબર ૧ મહિના બાદ પદાધિકારીઓની નિયુક્તિ થવા જઈ રહી છે. જેને લઈ હવે રજાના દિવસે પણ બોર્ડ બેઠક બોલાવીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.