રાજકોટ મનપાની દબાણશાખા સામે કોંગ્રેસના આકરા પ્રહાર
=> ગરીબ લારી–ગલ્લાવાળા સામે કાર્યવાહી, પણ મોટા માથાઓ સામે આંખ આડા કાનનો આક્ષેપ
સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની કામગીરી સામે શહેર કોંગ્રેસ સમિતિના મંત્રી મયુર શાહે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક સણસણતો સવાલ ઉઠાવ્યો છે કે, રાજકોટમાં દબાણશાખા ખરેખર શહેરમાંથી દબાણો દૂર કરવાનું કામ કરે છે કે પછી કોઈના "દબાણ" હેઠળ કામ કરી રહી છે? દબાણ હટાવવાની બેવડી નીતિ સામે તેમણે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.
મયુર શાહે આક્ષેપ કર્યો છે કે, શહેરના ગરીબ લારી-ગલ્લાવાળા, નાના વેપારીઓ અને રોજી કમાઈને ખાવડાવાળા સામાન્ય લોકો સામે તો દબાણશાખા વીજળીની ઝડપે તૂટી પડે છે અને તેમનો સામાન જપ્ત કરી લે છે. પરંતુ વર્ષોથી ઉભા રહેલા મોટા ગેરકાયદેસર દબાણો, રાજકીય આશીર્વાદ ધરાવતા તત્વો અને કરોડોના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની આંખો કેમ બંધ થઈ જાય છે? નબળા સામે કાયદાની તલવાર અને પ્રભાવશાળી લોકો સામે મૌન રાખવું એ કયો ન્યાય છે? શહેરના અનેક વિસ્તારોમાં જાહેર રસ્તાઓ, ફૂટપાથો અને સરકારી જમીનો પર વર્ષોથી દબાણો યથાવત હોવાનું જણાવતા મયુર શાહે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. શું દબાણશાખાને આ મોટા દબાણો દેખાતા નથી કે પછી કોઈના ફોન અને રાજકીય (ભાજપની) ભલામણો સામે અધિકારીઓ લાચાર બની જાય છે? તેમણે પૂછ્યું છે કે શું શહેરમાં દબાણ હટાવવાના અલગ-અલગ નિયમો છે?
દબાણશાખા કોના ‘દબાણ’ હેઠળ કામ કરે છે તેવો મયુર શાહનો વેધક સવાલ
કોંગ્રેસ અગ્રણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજકોટની પ્રજા હવે જવાબ માંગે છે. જો કાયદો બધા માટે સમાન હોય તો દબાણ હટાવવાના નામે થતી આ પક્ષપાતી કાર્યવાહી પણ સમાન જ થવી જોઈએ. દબાણશાખાએ સાબિત કરવું પડશે કે તે કોઈ રાજકીય, આર્થિક કે વહીવટી દબાણ હેઠળ નહીં પરંતુ માત્ર કાયદા અને ન્યાયના આધારે નિષ્પક્ષ રીતે કામ કરે છે.