રાજકોટમાં પ્રજાને લૂંટતા શાહુકારો સામે તંત્રની લાલ આંખ; 29 લાયસન્સ રદ
સમયસર ઓડિટ ન કરાવવા અને લોનની વિગતો ન દર્શાવતા 440 શાહુકારો સામે આકરા દંડતી તૈયારી
-
વ્યાજખોરી અને ગેરકાયદે ધિરાણની કમર તોડી નાખવા તંત્ર મેદાને, સૌથી વધુ 406 શાહુકારો એકલા રાજકોટ તાલુકામાં નોંધાયેલા
-
ઓનલાઈન પોર્ટલ પર લોનની વિગતો ન દર્શાવવા અને હિસાબોનું ઓડિટ ન કરાવવા બદલ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સપાટો
જિલ્લામાં નોંધાયેલા 538 શાહુકારોમાંથી 15 દિવસમાં संतोषકારક ખુલાસો ન કરનારના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવાની ચીમકી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લામાં સામાન્ય નાગરિકોનું આર્થિક શોષણ કરતા અને નિયમોને ઘોળીને પી જનારા શાહુકારો (ફાયનાન્સર) સામે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ લાલ આંખ કરી છે. 'ગુજરાત નાણાં ધિરાણ કરનારા અધિનિયમ, ૨૦૧૧' અને 'નિયમો, ૨૦૧૩' હેઠળ નોંધાયેલા શાહુકારો દ્વારા આચરતી ગેરરીતિઓ ડામવા માટે જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલકુમાર એન. પટેલના માર્ગદર્શન હેઠળ સહકારી અધિકારી શ્રી વી. વી. જાડેજાની ટીમે સઘન ચૅકિંગ હાથ ધર્યું હતું. આ તપાસમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા કુલ ૪૪૦ શાહુકારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીર ગેરરીતિઓ બદલ ૨૬ શાહુકારોના લાયસન્સ રદ કરી દેવાતા ધિરાણના ધંધાર્થીઓમાં મોટો
ફફડાટ વ્યાપી ગયો છે.
કાયદાકીય જોગવાઈ અનુસાર, તમામ લાયસન્સધારક શાહુકારોએ દર મહિનાની ૧ થી ૫ તારીખ સુધીમાં લોનની વિગતો દર્શાવતું ફોર્મ નંબર-૧૧ સરકારી પોર્ટલ (ecooperative.gujarat.gov.in) પર ફરજિયાત અપલોડ કરવાનું હોય છે. પરંતુ તપાસમાં ખૂલ્યું હતું કે મોટાભાગના શાહુકારો પોર્ટલ પર સમયસર વિગતો અપડેટ કરવામાં અને છેલ્લા ૩ વર્ષના નાણાકીય હિસાબોનું ઓડિટ કરાવવામાં ઘોર બેદરકારી દાખવી રહ્યા હતા. આ નિયમભંગ બદલ કલમ-૨૧(૨) (ક)(૧) અને કલમ-૪૩ હેઠળ તમામ કસૂરવારોને ૧૫ દિવસમાં ખુલાસો કરવા આદેશ અપાયો છે. તંત્રએ સ્પષ્ટ તાકીદ કરી છે કે જેનો ધંધો શૂન્ય (Nil) હોય તેમણેણો પણ નિયત સમયમર્યાદામાં 'નીલ પત્રક' રજૂ
કરવું ફરજિયાત રહેશે.
હાલ સમગ્ર રાજકોટ જિલ્લામાં કુલ ૫૩૮ નાણાં ધિરાણના લાયસન્સ સક્રિય છે. તાલુકાવાર આંકડાઓ જોઈએ તો સૌથી વધુ રાજકોટ તાલુકામાં ૪૦૬ શાહુકારો નોંધાયેલા છે. આ ઉપરાંત ઉપલેટામાં ૫૨, જેતપુરમાં ૩૦, ગોંડલમાં ૨૧, જામકંડોરણામાં ૮, ધોરાજીમાં ૭, જસદણમાં ૬, કોટડાસાંગાણીમાં ૩, લોધિકામાં ૨, પડધરીમાં ૨ અને વિંછીયામાં ૧ લાયસન્સધારક છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૬૮ જેટલા શાહુકારોની પ્રત્યક્ષ ચકાસણી કરાઈ છે અને એક શાહુકાર સામે કોર્ટ કેસ પણ દાખલ કરાયો છે. નિર્ધારિત વ્યાજદર કરતા વધુ વસૂલાત કરતા કે ગેરકાયદે ધિરાણ કરતા તત્વો સામે આગામી દિવસોમાં પણ આ કડક ઝુંબેશ જારી રહેશે તેવી તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.