Loading Please Wait !!!
રાજકોટની રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકાની સરાહનીય પર્યાવરણ ઝુંબેશ

» વિનોબા ભાવે શાળાના આચાર્ય વનિતા રાઠોડ દ્વારા શિક્ષણ સાથે પ્રકૃતિ સંરક્ષણનો સમન્વય

» શાળામાં બીજ બેંક, સૌર ઊર્જા અને જળ સંચય માટે 2 રિચાર્જ બોરની વ્યવસ્થા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટની પીએમશ્રી વિનોબા ભાવે સેન્ટર શાળા નંબર ૬૩ ના આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા વનિતા રાઠોડ શિક્ષણની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રઢીબા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે તેઓ પર્યાવરણ જાગૃતિ અને હરિયાળી વધારવા માટે અવિરત અને પ્રશંસનીય ઝુંબેશ ચલાવી રહ્યા છે. વનિતા રાઠોડ સ્વચ્છતાધન, વિશ્વ પર્યાવરણ દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ જેવા રાષ્ટ્રીય અને સામાજિક તહેવારો નિમિત્તે શાળા અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજે છે. દર વર્ષે ૧૫ જૂનથી ૧૫ ઓક્ટોબર દરમિયાન તેઓ નિયમિત રીતે નવા રોપાઓનું વાવેતર અને સંવર્ધન કરે છે. વરસાદી ઋતુમાં હરિયાળી વધારવા માટે ખાસ 'સીડ બોલ' (Seed Ball) બનાવીને ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' (કચરામાંથી કંચન) અને જૈવિક ખાતર (કમ્પોસ્ટ) બનાવના પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓ અને લોકોમાં પર્યાવરણલક્ષી જાગૃતિ ફેલાવવામાં આવે છે. તુલસી અને અન્ય ઔષધીય છોડનું વિતરણ કરી લોકોમાં પ્રકૃતિપ્રેમ જગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અબોલ પક્ષીઓ માટે માળા, ચણ અને ઉનાળામાં પાણીના પરબની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. લુપ્ત થતા વૃક્ષો અને છોડને બચાવવા માટે શાળામાં એક ખાસ 'બીજ બેંક' (Seed Bank) પણ શરૂ કરવામાં આવી છે. પર્યાવરણ બચાવવાના આ ભગીરથ કાર્યમાં સૌર ઊર્જા (સોલર એનર્જી) ના ઉપયોગને પણ ભારે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે શાળામાં ૨ રિચાર્જ બોર તૈયાર કરવામાં આવ્યા છે. પોતાની ટ્રસ્ટની ટીમ સાથે મળીને વનિતા રાઠોડ ન્યારી ડેમ અને જાહેર પ્રતિમાઓની સફાઈ ઝુંબેશ પણ નિયમિતપણે ચલાવી રહ્યા છે. વૃક્ષારોપણ, જળ સંચય અને પર્યાવરણ જાગૃતિના આ અવિરત કાર્યો દ્વારા તેઓ હરિયાળા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.