Loading Please Wait !!!
રાજકોટમાં પુષ્ટિમાર્ગીય સત્સંગ સમારોહ યોજાશે

» અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે કૃપાનિધિ કન્સ્ટ્રક્શન પરિવાર દ્વારા અરવિંદ મણિયાર હોલમાં આયોજન
» કાર્યક્રમ દરમિયાન મેયર ડો. નેહલ શુક્લ સહિતના મનપાના નવા પદાધિકારીઓનું સન્માન કરાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

સનાતન ધર્મ અને પુષ્ટિમાર્ગમાં અધિક પુરુષોત્તમ માસનું અત્યંત મહત્વ રહેલું છે. આ પવિત્ર માસ નિમિત્તે રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિને વૈષ્ણવાચાર્યોના સાનિધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વચનામૃતોનો અલૌકિક લાભ મળે તેવા મંગલ હેતુથી એક ભવ્ય ‘પુષ્ટિમાર્ગીય સત્સંગ સમારોહ’ નું આયોજન કરવામાં આવ્યું છે. કૃપાનિધિ કન્સ્ટ્રક્શન પરિવાર દ્વારા આગામી ૪ જૂન ૨૦૨૬, ગુરુવારના રોજ રાજકોટના જ્યુબિલી ગાર્ડન સ્થિત પ્રખ્યાત અરવિંદ મણિયાર હોલ ખાતે આ ધાર્મિક મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમની શરૂઆત રાત્રે ૮:૩૦ કલાકે થશે. રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં રાજકોટની વિવિધ પાઠશાળાઓના વિદ્યાર્થીઓ અને હરિભક્તો દ્વારા ધાર્મિક કૃતિઓ તેમજ કથક નૃત્ય રજૂ કરવામાં આવશે. ત્યારબાદ બરાબર ૯:૩૦ કલાકે યુવા વૈષ્ણવાચાર્યોના હસ્તે દીપ પ્રાગટ્ય અને વધાઈ કીર્તન થશે. આ પવિત્ર અવસરે રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનું વિશેષ અભિવાદન અને સન્માન કરવામાં આવશે. જેમાં મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષા વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા તથા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેનું સ્વાગત કરાશે.

આ સત્સંગ સમારોહમાં ઉપસ્થિત વૈષ્ણવોને યુવા વૈષ્ણવાચાર્યોના મંગલ વચનામૃત સાંભળવાનો દિવ્ય લહાવો મળશે, જેમાં મધુસૂદન લાલ, રત્નેશકુમાર, પુરુષોત્તમ લાલ, ગોપેશકુમાર, વેદાંગકુમાર, રમોનેશકુમાર અને રશેષ સહિતના આચાર્યો આશીર્વચન પાઠવશે. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન અરવિંદ પાટકિયા અને વજ્રદાસ માવાણી દ્વારા કરવામાં આવશે. આ ધાર્મિક સમારોહમાં બહોળી સંખ્યામાં પધારવા વૈષ્ણવ સમુદાયને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમની માહિતી આપવા માટે આયોજક સમિતિના મેહુલ ભગત, કાના પટેલ, રાજુ ઉનડકટ અને કલ્પેશ વાડગિયાએ સિટી ન્યૂઝ કાર્યાલયની મુલાકાત લીધી હતી.