Loading Please Wait !!!
રામનગર ખાતે ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિએ રક્તદાન શિબિર યોજાશે

» 30 મેના રોજ થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન

» વિવેકાનંદ યુથ ક્લબના સહયોગથી સાંજે 5 થી રાતના 10 સુધી ચાલશે સેવાકાર્ય

» શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર, સ્મૃતિભેટ અપાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના ગોંડલ રોડ પર માલવિયા કોલેજ પાસે આવેલા રામનગર વિસ્તારના વર્ષો જૂના રામમંદિર દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે આરોગ્ય કેન્દ્ર, છાસ વિતરણ અને પુસ્તક પરબ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. હાલ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે રામમંદિર રામનગર અને રામમંદિર મહિલા મંડળ દ્વારા પૂજ્ય કૌશિક ભક્તના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. ધર્મકાર્યની સાથે સેવા કાર્ય પણ થાય તેવા ઉમદા હેતુથી ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિના દિવસે સમૂહ મહાપ્રસાદ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બ્લડ બેંકોમાં રક્તની ભારે અછત પ્રવર્તી રહી છે, ત્યારે થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે વિવેકાનંદ યુથ ક્લબ અને સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી આ વિશેષ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. આ રક્તદાન શિબિર આગામી ૩૦ મે ૨૦૨૬, શનિવારના રોજ સાંજના પ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી રામનગર સાર્વજનિક પ્લોટ, માલવિયા કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતે યોજાશે. શિબિરમાં રક્તદાન કરી માનવતા મહેકાવનાર દરેક રક્તદાતાઓને સંસ્થા દ્વારા પ્રમાણપત્ર તેમજ સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. રક્તદાન એ નવા જમાનાની નવી જવાબદારી અને સમાજ પ્રત્યેની ફરજ છે, ત્યારે અનુપમ દોશી સહિતના આયોજકો દ્વારા શહેરના તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓ અને માનવતાપ્રેમી નાગરિકોને આ શિબિરમાં મોટી સંખ્યામાં ઉમટી પડી રક્તદાન કરવા જાહેર અપીલ કરવામાં આવી છે.